ભાણવડના બરડા ડુંગરમાંથી બે માનવ કંકાલ મળ્યા

પ્રેમીપંખીડાંએ આપઘાત કરી લીધો? તપાસ માટે ગુમ થયેલા લોકોની યાદીની તપાસણી શરૂ: બંન્ને કંકાલને ફોરેન્સિક લેબમાં મોકલાયા: ગળેફાંસો ખાઇ લીધાનું પ્રાથમિક તપાસમાં કારણ જાણવા મળ્યું…

પ્રેમીપંખીડાંએ આપઘાત કરી લીધો? તપાસ માટે ગુમ થયેલા લોકોની યાદીની તપાસણી શરૂ: બંન્ને કંકાલને ફોરેન્સિક લેબમાં મોકલાયા: ગળેફાંસો ખાઇ લીધાનું પ્રાથમિક તપાસમાં કારણ જાણવા મળ્યું

ભાણવડ નજીક આવેલા બરડા ડુંગર વિસ્તારમાંથી ગઈકાલે પોલીસને બે માનવ કંકાલ મળી આવ્યા છે. સંભવિત રીતે ગળાફાંસો ખાઈ લીધેલી હાલતમાં બે વ્યક્તિઓના લાંબા સમય પછી મળી આવેલા આ હાડપિંજર સંદર્ભે પોલીસ અધિકારીઓ તેમજ તેમની ટીમ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસ શરૂૂ કરવામાં આવી છે.

પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ભાણવડ નજીક આવેલા બરડા ડુંગર વિસ્તાર સ્થિત કિલેશ્વર નેસ ખાતે માનવ હાડપિંજર પડ્યા હોવા અંગેની જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને સ્થાનિક પોલીસની ટીમ બરડા વિસ્તારના ગીચ જંગલમાં આ સ્થળે પહોંચી હતી.

અંગેની પ્રાથમિક તપાસમાં ગીચ જંગલ વિસ્તારમાં કોઈ બે અજાણી વ્યક્તિએ લાંબા સમય પૂર્વે અગમ્ય કારણોસર આંબલીના ઝાડ સાથે સફેદ સૂતરની દોરી વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધાનું પ્રાથમિક રીતે જાહેર કરવામાં આવ્યું છે. આ બનાવ સંદર્ભે અહીંના ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિ તેમજ પી.આઈ. પ્રશાંત બ્રહ્મભટ્ટએ દોડી જઈ અને વિવિધ દિશાઓમાં તપાસ આરંભી હતી.

ઉપરોક્ત માનવ કંકાલ સંદર્ભે આસપાસના વિસ્તારમાંથી કોઈ બે વ્યક્તિ ગુમ થઈ છે કે કેમ તે બાબતે પણ પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી છે.

આટલું જ નહીં, એફ.એસ.એલ. તપાસ તેમજ પેનલ પી.એમ. સહિતની પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવી હતી. ત્યારે બે અજાણ્યા વ્યક્તિઓએ સજોડે કરી લીધેલા આ સંભવિત આપઘાત અને લાંબા સમય બાદ મૃતદેહના બદલે મળી આવેલા હાડપિંજર બાબતે સ્થાનિક વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. આ પ્રકરણમાં આગળની તપાસ ભાણવડના ઇન્ચાર્જ પી.આઈ. કે.કે. મારુ ચલાવી રહ્યા છે. હાલ આ બંન્ને પ્રેમી પંખીડા હોવાનુ મનાય છે. જો કે તપાસ કર્યા બાદ જ સમગ્ર ઘટનાની હકીકત બહાર આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *