કણકોટ નજીક ધડાકાભેર બસ અથડાતાં વીજ પોલ તૂટી કાચ તોડી બસમાં ધુસી ગયો: નજીકમા ફુલ વેચતી મહિલાનો આબાદ બચાવ
શહેરમાં અકસ્માતોનુ પ્રમાણ દિનપ્રતિદીન વધી રહ્યુ છે. તાજેતરમાં જ સિટિ બસના ચાલક દ્વારા ત્રણ જેટલા અકસ્માતો સામે આવ્યા હતા. સ્કૂલ બસના ચાલકો પણ બેદરકારીથી વાહન ચલાવી છાત્રોના જીવ જોખમમાં મૂકી અવાર નવાર અકસ્માત સર્જતા રહે છે.
ત્યારે વધુ એક સ્કૂલ બસનો અકસ્માત સામે આવ્યો છે. શહેરની ભાગોળે કાલાવડ રોડ પર કણકોટ ગામના પાટીયા પાસે વહેલી સવારે છાત્રોને સ્કૂલે લઇ જતી ઇનોવેટીવ સ્કૂલની બસને અકસ્માત નડયો હતો.
બસ ચાલકે પૂરપાટ ઝડપે ચલાવી સ્કૂટરને ઠોકરે લઇ બસ થાંભલામાં ધુસાડી દીધી હતી. આ અકસ્માતમાં છાત્રો અને શક્ષિકોને સામાન્ય ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતને પગલે બસમાં રહેલા છાત્રોને ચીચીયારીઓ ગુંજી ઉઠી હતી. અકસ્માત થયો ત્યા નજીક જ ફુલ વહેંતી મહિલા બેઠી હતી જોકે તે સમય સર ભાગી જતા તેનો આબાદ બચાવ થયો હતો.
જાણવા મળેલી વિગતો મુજબ વહેલી સવારે કણકોટ ગામના પાટિયા પાસે વિધાર્થીઓને લઇને જઇ રહેલી ઇનોવેટિવ ઇન્ટરનેશનલ સ્કૂલની બસના ચાલકે કણકોટ ગામના પાટીયા પાસે કાબૂ ગુમાવી દેતાં બેકાબૂ બસ રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી અને પાર્ક કરેલા સ્કૂટરને ઠોકરે લઇ વિજ થાંભલા સાથે ધડાકાભેર અથડાતા થાંભલો ભાંગી ગયોે હતો અને બસના આગળના ભાગમા કાચ તોડીને ઘુસી ગયો હતો. અકસ્માત સર્જાતા લોકો દોડી આવ્યા હતાં. લોકોએ બસમાંથી ગભરાયેલા વિદ્યાર્થીઓ અને શિક્ષકને બહાર કાઢી સારવાર માટે 108 બોલાવી હતી. જો કે બસમાં રહેલા પૈકી કોઇને ખાસ ઇજા થઇ નહોતી. બે ત્રણ બાળકો અને શિક્ષકોને સામાન્ય ઇજા પહોંચતા સારવારમાં ખસડાયા હતા.
બસની ઠોકરે જે સ્કૂટર ચડયું તેની બાજુમાં જ એક મહિલા ફુલ વેંચવા બેઠા હતાં. સદ્દનસિબે તે બસને આવતી જોઇ ઉભા થઇ દુર ખસી જતાં બચી ગયા હતાં. બનાનવી જાણ થતાં તાલુકા પોલીસે પહોંચી કાર્યવાહી કરી હતી. સદ્દનસિબે આ અકસ્માતમાં કોઇ જાનહાની થઇ નથી.
ડ્રાઇવરને ચક્કર આવતા અકસ્માત સર્જાયો, કોઇ જાનહાની નહી: સ્કૂલ સંચાલક
કણકોટ નજીક સ્કૂલ બસનો અકસ્માત સર્જાયો હતો. જે અંગે ઇનોવેટીવ સ્કુલના ડિરેકટર વિવેક સિન્હાએ જણાવ્યુ કે આજે સવારે સાડા સાતેક વાગ્યના અરસામા આ બનાવ બન્યો હતો. કણકોટ ગામના પાટીયા પાસે સ્કુલ બસ પહોંચતા ડ્રાઇવરને ચક્કર આવતા બસ ઝાડ અને થાંભલામા ધુસી ગઇ હતી. સ્કૂલ બસમાં 39 વિદ્યાર્થીઓ સવાર હતા. જો કે સદનસીબે કોઇ જાન હાની થઇ નથી. એક છાત્રને નાકમા ઇજા અને એક મહિલા શિક્ષિકાને ઇજા થઇ હતી. તે સિવાયના તમામ છાત્રો સુરક્ષિત હોવાનુ અને સ્કૂલમાં અભ્યાસ પણ શરૂ કરી દીધો હોવાનુ જણાવ્યુ હતુ.
