કેટરર્સના ધંધાર્થીના ઘરમાં 40 સિલિન્ડરમાંથી બે લીકેજ થતાં વિસ્ફોટ, ત્રણ વાહન અને દિવાલને નુકસાન, આરાધના સોસાયટીમાં દુર્ઘટના
રાજકોટ શહેરના સહકાર નગર મેઈન રોડ નજીક આવેલી સાધના સોસાયટીમાં આજે એક મોટી દુર્ધટના બની હતી. સાધના સોસાયટીમાં રહેતા કેટરર્સના ધંધાર્થી અશોકભાઈના મકાનના સેલરમાં રાખેલા 40 જેટલા રાંધણગેસના કોમર્શિયલ બાટલા માંથી 2 બાટલામાં લીકેજ થયા બાદ પ્રચંડ ધડાકા સાથે આગ લાગી હતી. અચાનક ગેસના બે બાટલા ફાટતા તેના ધડાકા દુર સુધી સંભળાયા હતા. બાટલા ફાટ્યા બાદ ભયાનક આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં બે બાઈક અને એક કાર તેમજ મકાનની દીવાલને ભારે નુકશાન થયું હતું.
જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂૂપ ધારણ કરી લેતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગ્યાની જાણ થતા પડોશમાં રહેતા 55 વર્ષીય બિલ્ડર શામજીભાઈ લાખાભાઈ પટેલ અને ટ્રાફિક બ્રિગેડ મોહિત દીપકભાઈ ત્રિવેદી આગ બુઝાવવા જતા બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ બનાવમાં મકાન માલિક અશોકભાઈ પણ દાઝી ગયા હતા. ઘટનાની વિગતો મુજબ, આગ લાગ્યા બાદ તેને બુઝાવવાના પ્રયાસો કરતી વખતે જ શામજીભાઈ અને મોહિતભાઈ આગની લપેટમાં આવી ગયા હતા. આ દુર્ઘટનામાં ભોગ બનનાર મોહિત ત્રિવેદી ટ્રાફિક બ્રિગેડ (ઝછઇ) માં ફરજ બજાવે છે, જ્યારે શામજીભાઈ વ્યવસાયે બિલ્ડર હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે અશોકભાઈ જે કે.વી. કેટરર્સના નામે વ્યવસાય કરે છે. તેમનું માધાપર ચોકડી પાસે ગોડાઉન આવેલું હોય તેનું કામ ચાલુ હોવાથી કેટરર્સમાં ઉપયોગમાં લેવાતા 40 જેટલા રાંધણગેસના બાટલા પોતના ઘરના મકાનમાં સેલરમાં રખાયા હતા આ 40 જેટલા ગેસના બાટલા માંથી બે ગેસના બાટલા એકાએક ફાટ્યા હતા, જેના કારણે ધડાકા સાથે આગ પ્રસરી હતી. આ આગ એટલી ભીષણ હતી કે મકાનમાં રાખવામાં આવેલો કેટરર્સનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. મકાનની અંદર રહેલી ઘરવખરીને પણ મોટું નુકસાન પહોંચ્યું છે.ઉપરાંત અશોકભાઈએ પોતના ઘરના સેલરમાં 40 બાટલા ઉપરાંત 40 લીટર પાંચ ડીઝલના કેરબા પણ રાખ્યા હોય આગ લાગ્યા બાદ અન્ય 38 ભરેલા બાટલા અને ડીઝલનો જથ્થો સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યો હતો.
આગની ઘટનામાં માત્ર ઘરનો સામાન જ નહીં, પરંતુ બહાર પાર્ક કરેલા વાહનો પણ આવી ગયા હતા. મકાન પાસે ઉભેલા બે સ્કૂટર અને એક કારને આગના કારણે ભારે નુકસાન થયું છે. આ દુર્ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે જે મકાનમાં આગ લાગી હતી, ત્યાં 40થી વધુ ગેસના બાટલાઓનો જથ્થો રાખવામાં આવ્યો હતો. જો આગ આ તમામ બાટલાઓ સુધી પહોંચી હોત તો અત્યંત મોટી જાનહાનિ અને ભયાનક વિનાશ સર્જાઈ શક્યો હોત. જોકે, નસીબ જોગે મોટી દુર્ઘટના ટળી હતી.
ઘટનાની ગંભીરતાને જોતા ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ સાથે જ ભક્તિનગર પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને પંચનામું કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રહેણાંક વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં ગેસના સિલિન્ડર કેમ રાખવામાં આવ્યા હતા અને આગ લાગવાનું ચોક્કસ કારણ શું હતું, તે દિશામાં અત્યારે પોલીસ તપાસ ચલાવી રહી છે. હાલ સિવિલ હોસ્પિટલમાં બંને ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે અને તેમની હાલત પર તબીબો નજર રાખી રહ્યા છે.
