અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ભૂંડણી ગામે એક હૃદયદ્રાવક ઘટના બની છે. નદી કાંઠે માતા સાથે ગયેલા બે સગા ભાઈઓનું પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. આ અકસ્માતને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને માતા-પિતાએ પોતાના બંને સંતાનો ગુમાવતા પરિવાર પર આભ ફાટ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ભૂંડણી ગામની નદી કાંઠે માતા કપડાં ધોવા માટે ગયા હતા. તેમની સાથે તેમના બંને પુત્રો રુદ્ર નાજાભાઈ મહીડા (ઉ.વ.10),પાર્થ નાજાભાઈ મહિડા (ઉ.વ.8) પણ હતા. માતા જ્યારે કપડાં ધોવામાં વ્યસ્ત હતા, ત્યારે બંને બાળકો નદી કાંઠે રમતા રમતા ઊંડા પાણીમાં ઉતરી ગયા હતા.
બાળકોને ડૂબતા જોઈ માતાએ બૂમાબૂમ કરી મૂકતા સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગ્રામજનોએ ભારે જહેમત બાદ બંને બાળકોને બહાર કાઢ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે રાજુલા હોસ્પિટલ ખસેડ્યા હતા.
જોકે, હોસ્પિટલના ફરજ પરના ડોક્ટરોએ તપાસ બાદ બંને બાળકોને મૃત જાહેર કર્યા હતા. આ કરુણ ઘટનામાં મહીડા પરિવારે પોતાના બંને પુત્રો ગુમાવ્યા છે. રુદ્ર અને પાર્થ આ પરિવારના માત્ર બે જ સંતાનો હતા, જેમના મોતના સમાચાર મળતા જ પરિવારમાં કરુણ આક્રંદ છવાઈ ગયું હતું. ઘટનાની જાણ થતા ખાંભા પોલીસ કાફલો પણ હોસ્પિટલ પહોંચ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી છે.
ઘટના અંગે રાજુલા-જાફરાબાદ-ખાંભાના ધારાસભ્ય હીરા સોલંકીએ ઊંડા દુ:ખની લાગણી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, “ભૂંડણી ગામની આ ઘટના અત્યંત દુ:ખદ છે. મેં તાત્કાલિક હોસ્પિટલ પ્રશાસન સાથે વાત કરી વ્યવસ્થા કરાવી હતી, પરંતુ બાળકોને બચાવી શકાયા નથી. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના. અમારી ટીમ પરિવારને તમામ જરૂૂરી મદદ પૂરી પાડવા માટે હોસ્પિટલમાં હાજર છે.”
