ધોરાજી નજીક ટ્રાવેલ્સની બસ ત્રણ પલટી મારી ગઈ, 22ને ઈજા

એકસેલ ભાંગી જતાં અકસ્માત સર્જાયો, પૂર્વ ધારાસભ્ય અને પોલીસે દોડી જઈ મુસાફરોને હોસ્પિટલે ખસેડયા રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં આજે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. ધાંગધ્રાથી…

એકસેલ ભાંગી જતાં અકસ્માત સર્જાયો, પૂર્વ ધારાસભ્ય અને પોલીસે દોડી જઈ મુસાફરોને હોસ્પિટલે ખસેડયા

રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં આજે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. ધાંગધ્રાથી ધોરાજી તરફ આવી રહેલી એક ખાનગી ટ્રાવેલ્સની બસના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ માર્ગ પર પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં બસમાં સવાર 25 પૈકી 22 મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જેમાં છની હાલત ગંભીર ગણાવાઈ રહી છે.

22 ઈજાગ્રસ્તોન હોસ્પિટલ ખસેડાયા અકસ્માત સર્જાતા જ ચીસાચીસ મચી ગઈ હતી, જેને પગલે સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તોમાં મહિલાઓ, પુરુષો અને વૃદ્ધોનો સમાવેશ થાય છે. તમામ 22 ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરાજીની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, 6 મુસાફરોની સ્થિતિ અત્યંત નાજુક હોવાથી તેમને વધુ સારવાર અર્થે જૂનાગઢ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે.

અકસ્માતની જાણ થતાં જ ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોની ખબર પૂછી હતી. ધોરાજી પોલીસનો કાફલો, જેમાં એસ.પી. અને પી.આઈ. સહિતના અધિકારીઓનો સમાવેશ થાય છે, તેઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ધોરાજી ઉપલેટા ના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા એ જણાવ્યું હતું કે, ‘ધોરાજીની ડ્રીમ્સ સ્કૂલ પાસે ટ્રાવેલ્સની બસ પલટી ખાતા 22 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ધોરાજીની સરકારી હોસ્પિટલમાં બાકીના બધા જે ડોક્ટરો છે, ડોક્ટરો અને સ્ટાફ પૂરતો હાજર રહ્યો છે. 3 જણાને રીફર કર્યા છે. 6 જણાની સ્થિતિ ચિંતાજનક છે. બાકીના દર્દીઓની સારવાર અત્યારે ધોરાજી ખાતે ચાલી રહી છે. અને ધોરાજીના સામાજિક સંસ્થાના સૌ આગેવાનો અત્યારે અહીં સેવાકીય પ્રવૃતિમાં ખભેખભા મિલાવીને જે લોકોને ઇજા થઇ છે એમને મદદ કરી રહ્યા છે.’

ટ્રાવેલ્સના માલિકના નિવેદન મુજબ બસની એક્સલ ભાંગતા બસ પલટી મારી છે અને બસ વરધીમાં હતી એટલે ફરેણી રોડ ઉપરનો જે સમાજ છે એ સમાજના લોકો એ બસની અંદર હતા અને બસ પલટી મારી છે એના કારણે બધા ઇજાગ્રસ્ત થયા છે.

આ અકસ્માતમાં ઘાયલ કરનભાઈ કરમશીભાઈ રાઠોડ જણાવ્યું હતું કે ‘અમે બાપાના ફૂલ પધરાવવા માટે રાધનપુરની બાજુમાં કુંવર ગામમાં ગુરુકૃપા ગાડી સ્પેશિયલ બાંધીને ગયેલા અને ત્યાંથી 12:00 વાગ્યે રિટર્ન ગાડી આવતી હતી અને અહીં આવીને પલ્ટી ખાઈ ગઈ. અમે ગાડીમાં તો બેઠા હતા પણ ગમે ત્યાંથી ધડાકો થયો એ ધડાકો અમે સાંભળ્યો પણ શેની સાથે ધડાકો થયો એ ખબર ના પડી. પણ ગાડી પછી એના કાબૂમાં ન રહી એટલે ગાડી હેઠી ઉતરીને ઉપર ચઢી એમ કરતાં કરતાં બે પલ્ટીઓ ગાડી ખાઈને ઝાડવાની અંદર ફસાઈ ગઈ.’

શારદાબેન જણાવ્યું હતું કે ‘અમે બધા ગામડે ગયા હતા, ત્યાં ગામડેથી આવતા હતા. અમારા કાકાના ફૂલ લઈને ગયા હતા પધરાવવા. અને આવતા હતા અને આવતા આવતા એકદમ જ ખબર નહિ શું થયું તે, ખાઈમાં કે ગમે તે થયું. અમે તો બધા આખા સુતા હતા ગાડીમાં બેઠા હતા. કોઈ જાગતા હતા. અને અચાનક ગાડી એકદમ જ સામે ઝાડે એકદમ જ પલટી, ત્રણ પલટી ખાઈ ગઈ ગાડી. ત્રણ ગાડી પલટી ખાઈ અને ઝાડે પછડાઈ ગઈ. અને બધા પડમ-પડી થઈ ગયા’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *