મવડી નજીક કાર અડફેટે ઘવાયેલા બાઈકચાલક યુવાનનું કરુણ મોત

બીજાનું મોટર સાઈકલ લઈ ચા લેવા નીકળેલા યુવકને અકસ્માત નડયો’તો શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવારનવાર અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી રહી છે ત્યારે…

બીજાનું મોટર સાઈકલ લઈ ચા લેવા નીકળેલા યુવકને અકસ્માત નડયો’તો

શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવારનવાર અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી રહી છે ત્યારે વધુ એક બનાવમાં કણકોટ પાટીયા પાસે રહેતો યુવાન બીજાનું બાઈક લઈને ચા લેવા જતો હતો ત્યારે કાર ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બાઈક ચાલક યુવકનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, કણકોટ પાટીયા પાસે રહેતો વિજય કાળુભાઈ મેરાણ નામનો 38 વર્ષનો યુવાન બે દિવસ પૂર્વે સાંજના સાતેક વાગ્યાના અરસામાં બાઈક લઈ કણકોટ રોડથી મવડી તરફ જઈ રહ્યો હતો ત્યારે મવડી સ્મશાન પાસે પહોંચતાં પુરપાટ ઝડપે ધસી આવેલી કારના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલના બીછાને મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે કરૂણકલ્પાંત સર્જાયો હતો.

પ્રાથમિક પુછપરછમાં મૃતક યુવાન બે ભાઈ બે બહેનમાં નાનો હતો અને મજુરી કામ કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો. મૃતક યુવાન બીજાનું બાઈક લઈ ચા લેવા જતો હતો ત્યારે જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે રાજકોટ તાલુકા પોલીસે નોંધ કરી અકસ્માત સર્જનાર કાર ચાલક વિરૂધ્ધ કાનુની તપાસનો દૌર લંબાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *