ઘંટેશ્ર્વર-કાળીપાટ-માધાપર-અમદાવાદમાં કરોડોની જમીન ‘વેલ્યુએબલ’ બની ગઈ; રોકડ-બેંક થાપણ-શેર-LICમાં રોકાણ ઘટયું
2021માં 5 કરોડની મિલકત 2026માં 41 કરોડે પહોંચી
26 તારીખે યોજાનારી ચૂંટણી વર્ષ 2026ના ગઈકાલે ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પુરી થઇ છે. રાજકોટના પૂર્વ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા દ્વારા રજૂ કરવામાં આવેલા એફિડેવિટ (સોગંદનામા) ના આંકડાઓ પર નજર કરતા એક ચોંકાવનારી વિગત સામે આવી છે. છેલ્લા પાંચ વર્ષના ગાળામાં તેમની સ્થાવર મિલકતોમાં અધધ 800% જેટલો વધારો નોંધાયો છે. જમીન અને મકાનોના ભાવમાં આવેલા ઉછાળાને કારણે તેમની સંપત્તિમાં આ ધરખમ ફેરફાર જોવા મળ્યો છે. 2021 ની રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીમાં જાહેર કરેલી સ્થાવર મિલકત આશરે 5 કરોડની હતી જે બે દિવસ પહેલા રજુ કરેલા એફિડેવિટમાં 41 કરોડે પહોંચી ગઈ છે.
એફિડેવિટ મુજબ, નરેન્દ્રસિંહ જાડેજાની માલિકીની વિવિધ સ્થળોએ આવેલી જમીનોની કિંમતમાં પાંચ વર્ષમાં મોટો વધારો થયો છે. જેમાં મુખ્યત્વે માધાપર, કાળીપાટ, ઘંટેશ્વર, માધાપર તેમજ અમદાવાદના વેજલપુરમાં આવેલી ખેતીની જમીનોનો સમાવેશ થાય છે.
11 એપ્રિલના રોજ કરેલા ચૂંટણી અધિકારી સમક્ષ રજુ કરેલા સોગંદનામા પ્રમાણે નરેન્દ્રસિંહ પૃથ્વીસિંહ જાડેજા પાસે હાલમાં 41 કરોડ જેટલી સ્થાવર મિલકત આવેલી છે. જેમાં માધાપરમાં 16.75 કરોડ, અમદાવાદના વેજલપુરમાં 4.5 કરોડ, કાળીપરમા 2.25 કરોડ અને ઘંટેશ્વરમાં 9 કરોડની બજાર કિમંતની ખેતીની જમીન આવેલી છે. આ ઉપરાંત 2.50 કરોડની બિન ખેતી જમીન અને રહેણાંક પ્રકારની 6 કરોડની સંપંત્તિ છે. તેમના પત્ની ધર્મિષ્ઠાબા પાસે માધાપરમાં 1.80 કરોડની ખેતીની જમીન અને 95લાખની રહેણાંક મિલકત આવેલી છે.નરેન્દ્રસિંહ જાડેજાએ વર્ષ 2021ની રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી વખતે રજુ કરેલા એફિડેવિટ પ્રમાણે તે સમયે તેમની પાસે 2.03 કરોડની ખેતીની જમીન હતી જયારે 3 કરોડની બિન ખેતીની જમીન ધરાવતા હતાં.રાજકોટ મહાનગરપાલિકાના હોદેદારોની સંપતિમાં પાંચ વર્ષમાં થયેલ વધારો હાલ લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છછે. જે કોર્પોરેટરને ટીકીટ ફરી મળી છે તેમાં પૂર્વ મેયર ડો.પ્રદિપ ડવ તેમજ વોર્ડ નં.7ના કોર્પોરેટર નેહલ શુકલની ચૂંટણી સોગંદનામામાં પણ સંપતિમાં વધારો સામે આવ્યો છે. જેની સામે
જંત્રી વધી પણ ડો.પ્રદીપ ડવની મિલકતોની કિંમત વધી જ નહીં !
રાજકોટના પૂર્વ મેયર ડો.પ્રદીપ ડવની મિષલકતમાં પાંચ વર્ષમાં ખાસ વધારો થયો નથી. ડો.પ્રદીપ ડવે વર્ષ 2021માં 26 લાખની મિલકત બતાવી હતી તે 2026માં 1.22 કરોડની દર્શાવી છે. જો કે જંત્રી ડબલ થઈ ગઈ હોવા છતાં ડો.પ્રદીપ ડવે જુની મિલકતો જુની જંત્રી મુજબ જ દર્શાવી છે. સણોસરા ખાતેની ખેતીની જમીન 2021માં 3.50 લાખની દર્શાવી હતી. તેની 2026માં કિંમત 3.80 લાખ દર્શાવી છે. આજ રીતે સણોસરાની બીજી જમીનમાં 10 હજાર વધારી 2.50 લાખની કિંમત દર્શાવી છે.આ ઉપરાંત વાજડીવડમાં 2.60 લાખના પ્લોટની કિંમત 2.60 લાખથી વધારી 2.80 લાખ, નાનામવાના પ્લોટની કિંમત 4.50 લાખથી વધારી 4.90 લાખ તેમજ નક્ષત્ર-6માં ઓફિસની કિંમત 8 લાખથી વધારી 8.60 લાખ દર્શાવી છે. જ્યારે સ્વાશ્રય સોસાયટીમાં રૂા.પાંચ લાખનો પ્લોટ હતો. ત્યાં હવે રૂા.99.52 લાખનું મકાન બતાવ્યું છે. પૂર્વ ડે.મેયર પાસે રોકડ રૂા.1.80 લાખ અને પત્ની પાસે રૂા.1.30 લાખ છે. જ્યારે અનુક્રમે 1.78 લાખ અને 2.85 લાખની લોન બોલે છે. પતિ પત્ની બન્ને પાસે એક એક કાર છે બન્ને વચ્ચે 14.40 લાખનું ઘરેણું છે.
‘ગૂડ’ કોર્પોરેટર નેહલભાઇ શુકલની સ્થાવર મિલકતોમાં 6.35 કરોડનો વધારો
રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનની ચુંટણી માટે ગત શનિવારે અલગ અલગ ઉમેદવારોએ પોતાના સોગંધનામા રજુ કર્યા હતા. જેમાં વોર્ડ નં.7ના કોર્પોરેટર નેહલ શુકલની સંપતિમાં છેલ્લા પાંચ વર્ષમાં 6.35 કરોડનો વધારો જોવા મળ્યો છે. નેહલ શુકલએ રજુ કરેલા એફીડેવીડના આંકડા પ્રમાણે એમની પાસે 7.35 કરોડની બીનખેતી જમીન અને 1.61 કરોડના મકાન ધરાવે છે. જયારે વર્ષ 2021ની રાજકોટ મનપાની ચુંટણીમાં રજુ કરેલા એફિડેવીટ પ્રમાણે તેમની પાસે કુલ 2.61 કરોડની સ્થાવર મિલકત હતી. તે સમયે નેહલ શુકલ પાસે 1.64 કરોડની બીનખેતીની જમીન અને 97 લાખનું મકાન હતું. નેહલ શુકલ પાસે 2021માં 4.48 કરોડની બેન્ક થાપણ હતી જે હવે 2026ના પિરીયડ પ્રમાણે 1.12 કરોડની છે. તેમની પાસે 2021માં 4.40 કરોડ જેટલું શેર- મ્યુચ્યુલ ફંડ અને બોન્ડમાં રોકાણ હતું. જે હવે 46.09 લાખનું થઇ ગયું છે.

