વ્યાજખોરોનો ત્રાસ: વેપારીએ 85 લાખની સામે કરોડ ચુકવ્યા છતાં ઉઘરાણી

રાજકોટ શહેરમાં દેવેન્દ્રભાઈ હરેશભાઈ મંડલી નામના 42 વર્ષીય વેપારીએ થોરાળા પોલીસ સ્ટેશનમાં છ જેટલા વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સને 2018માં ધંધામાં આવેલી આર્થિક મંદીને…

રાજકોટ શહેરમાં દેવેન્દ્રભાઈ હરેશભાઈ મંડલી નામના 42 વર્ષીય વેપારીએ થોરાળા પોલીસ સ્ટેશનમાં છ જેટલા વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સને 2018માં ધંધામાં આવેલી આર્થિક મંદીને પહોંચી વળવા માટે લેવામાં આવેલી રકમ આજે વેપારી માટે ગળાનો ફાંસો બની ગઈ છે. વેપારીએ પોલીસને જણાવ્યું હતું કે, અલગ-અલગ સમયે લીધેલી કુલ 85 લાખ જેવી માતબર રકમ સામે તેમણે કરોડોનું વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં, આરોપીઓ હજુ પણ મુંડી અને વ્યાજની ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી રહ્યા છે.

ઘટનાની વિગતો મુજબ, ફરિયાદી દેવેન્દ્રભાઈએ સૌપ્રથમ 2018માં મહેશભાઈ નરસંગભાઇ રાઠોડ પાસેથી 2 ટકા વ્યાજે 13 લાખ રૂપિયા લીધા હતા, જેના બદલામાં અત્યાર સુધીમાં તેઓ 27 લાખ રૂપિયા ચૂકવી ચુક્યા છે. ત્યારબાદ જરૂરિયાત ઉભી થતા તેમણે રાજુભાઇ ભલસોડ પાસેથી 3 ટકા વ્યાજે 7 લાખ લીધા અને સાત ચેક સિક્યુરિટી પેટે આપ્યા હતા. આ સિવાય નાગદાનભાઈ આહીર પાસેથી 4 ટકા વ્યાજે 13 લાખ, મુનાભાઇ ફુલવાળા પાસેથી અઢી ટકા વ્યાજે 4 લાખ, અને રાજુભાઇ મહાકાળી પાનવાળા પાસેથી 5 ટકા વ્યાજે 13 લાખ રૂપિયા લીધા હતા. સૌથી મોટી રકમ તેમણે રાકેશભાઇ ઉર્ફે કાનાભાઇ ગૌસ્વામી પાસેથી 5 ટકા વ્યાજે 35 લાખ રૂપિયા લીધી હતી, જેના વ્યાજ પેટે જ તેમણે 50 લાખ રૂપિયા ચુકવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.

આ મામલામાં એક ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે, મુનાભાઇ ફુલવાળા નામના વ્યાજખોરનું એક વર્ષ પહેલા અવસાન થયું હોવા છતાં, વ્યાજખોરીનો આ સિલસિલો અટક્યો નહોતો. મુનાભાઇના મૃત્યુ બાદ તેમના પત્નીએ ફરિયાદીને ફોન કરીને બાકી નીકળતી મુડી અને વ્યાજની પઠાણી ઉઘરાણી ચાલુ રાખી હતી.મૂળ રકમ કરતા અનેકગણું વ્યાજ વસૂલ્યા પછી પણ આરોપીઓની લાલચ સંતોષાઈ નહોતી, જેને કારણે અંતે વેપારીએ કાયદાનો આશરો લેવાની ફરજ પડી હતી.

વેપારીની ફરિયાદના આધારે થોરાળા પોલીસે ભારતીય ન્યાય સંહિતા ની કલમ 352, 351(2) તથા ગુજરાત નાણાની ધીરધાર કરનારા બાબત અધિનિયમની કલમ 5, 40 અને 42 હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.આર. ડોબરીયા દ્વારા આ કેસની તપાસ હાથ ધરવામાં આવી છે.પોલીસે તમામ છ આરોપીઓ મહેશભાઈ રાઠોડ, રાજુભાઇ ભલસોડ, નાગદાનભાઈ આહીર, મુનાભાઇ ફુલવાળાના પત્ની, રાજુભાઇ મહાકાળી અને રાકેશભાઇ ગૌસ્વામી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *