આગામી ચુંટણી અન્વયે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજીડેમ પોલીસ સ્ટેશન દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. તારીખ 09/04/2026 ના રોજ આજીડેમ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર એચ.એન.પટેલની રાહબરીમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટરો અને એલ.સી.બી. ઝોન-1 ની અલગ-અલગ ટીમો બનાવી વિસ્તારમાં મેગા ફૂટ પેટ્રોલીંગ તેમજ વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન પોલીસ દ્વારા ગુનાખોરી ડામવા અને ચુંટણી દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને તે માટે કડક તપાસ કરવામાં આવી હતી.
પોલીસની આ ખાસ ઝુંબેશ દરમિયાન વિવિધ કાયદાકીય જોગવાઈઓ હેઠળ અનેક કેસો નોંધવામાં આવ્યા છે. જેમાં પ્રોહિબિશન કલમ 65(એ)(એ) હેઠળ 12 કેસ, કલમ 66(1)(બી) અને એમ.વી. એક્ટ કલમ 185 હેઠળ 07 કેસ, તેમજ જી.પી. એક્ટ કલમ 135 હેઠળ 2 કેસ નોંધાયા છે. આ ઉપરાંત, પ્રોહિબિશન અંતર્ગત 06 નીલ રેઈડ અને કલમ 93 મુજબ 03 કેસ કરવામાં આવ્યા છે. વાહન ચેકીંગ દરમિયાન 04 વાહનો ડીટેઈન કરવામાં આવ્યા હતા અને 08 એન.સી. કેસ નોંધી કુલ 7,500/- રૂપિયાનો સ્થળ પર દંડ વસૂલવામાં આવ્યો હતો.
