વિછીયાના પાટીયાળી ગામે દૂધના બાકી પૈસા માંગતા ત્રણ શખ્સોનો વેપારી ઉપર હુમલો

વિછીયા તાલુકાના પાટીયાળી ગામે દૂધની ડેરી ચલાવતા એક યુવક પર દૂધના બાકી પૈસા માંગવા જેવી સામાન્ય બાબતે ખાર રાખી ત્રણ શખ્સોએ હુમલો કરી, જાનથી મારી…

વિછીયા તાલુકાના પાટીયાળી ગામે દૂધની ડેરી ચલાવતા એક યુવક પર દૂધના બાકી પૈસા માંગવા જેવી સામાન્ય બાબતે ખાર રાખી ત્રણ શખ્સોએ હુમલો કરી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી છે. આ મામલે ભોગ બનનાર યુવકે વિછીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ ફરિયાદી ઘનશ્યામભાઈ જયંતીભાઈ રોજાસરા (ઉ.વ. 29), જેઓ પાટીયાળી ગામે બી.એમ.સી. દૂધની ડેરી ચલાવે છે, તેમણે નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 04/04/2026ના રોજ બપોરના દોઢ વાગ્યે તેઓ પોતાના ઘરે પરિવાર સાથે હાજર હતા. આ સમયે તેમના ભાભી રેખાબેને તેમને જગાડી જાણ કરી હતી કે ગામના મુકેશભાઈ દેવજીભાઈ તાવીયા અને શાંતિભાઈ દેવજીભાઈ તાવીયા તેમના ઘર તરફ આવી રહ્યા છે. ઘનશ્યામભાઈ ડેલી પાસે જતાં જ મુકેશભાઈએ બિભત્સ ગાળો આપવાનું શરૂૂ કર્યું હતું.

મુકેશભાઈએ ઘરની ડેલી પર લોખંડના પાઈપના ઘા માર્યા હતા. ઘનશ્યામભાઈ અને તેમના પિતા જયંતીભાઈ ઘરની બહાર નીકળતા જોયું તો મુકેશભાઈ સાથે શાંતિભાઈ દેવજીભાઈ તાવીયા અને હર્ષદ તાવીયા પણ ત્યાં ધસી આવ્યા હતા. આ ત્રણેય શખ્સોએ ઉશ્કેરાઈને ગાળો આપી હતી અને ધમકી આપી હતી કે, “બહાર નીકળો, આજે તમને જીવતા મૂકવા નથી, આજે તો પતાવી જ દેવા છે.” આ પ્રકારે જાનથી મારી નાખવાની ધમકી આપી ત્રણેય શખ્સો ત્યાંથી નાસી છૂટ્યા હતા.

ઘટનાનું કારણ, આ હુમલા પાછળનું મુખ્ય કારણ આર્થિક લેતીદેતી હોવાનું બહાર આવ્યું છે. આરોપી શાંતિભાઈ છેલ્લા આઠેક મહિનાથી ફરિયાદીની ડેરીએથી દૂધ લેતા હતા, જેના પૈસા બાકી હતા. ગત તા. 28/03/2026ના રોજ રાત્રે ઘનશ્યામભાઈ તેમના ઘરે પૈસા લેવા ગયા હતા, જે બાબતનું મનદુ:ખ રાખી આરોપીઓએ આ હુમલો કર્યો હોવાનું ફરિયાદીએ જણાવ્યું છે.

ઘનશ્યામભાઈ રોજાસરાની ફરિયાદને આધારે વિછીયા પોલીસે મુકેશ તાવીયા, શાંતિ તાવીયા અને હર્ષદ તાવીયા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂૂ કરી છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *