દુધની ડેરી પાસે રહેતો સગીર કાકાના કારખાને આંટો મારવા ગયો ને કાળ ભેટી ગયો
શહેરનાં જંગલેશ્ર્વર વિસ્તારમાં ગોકુલનગરમાં કાકાના કારખાને આંટો મારવા ગયેલા ધો.8ના વિદ્યાર્થીનું ગુડઝ લિફટમાં ફસાઈ જતાં કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. સામાકાંઠે દૂધની ડેરી વિસ્તારમાં રહેતો 14 વર્ષિય સગીરને કાળ ભેટી જતાં પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે. આ અંગેં પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, સામાકાંઠે દૂધની ડેરી પાસે ગામેતી હોલ નજીક શેરી નં.1માં રહેતો રહેમાન હનીફભાઈ નગરીયા (ઉ.14) નામનો સગીર આજે સવારે 11 વાગ્યાના અરસામાં જંગલેશ્ર્વર વિસ્તારમાં આવેલા ગોકુલનગર શેરી નં.3માં બફ વર્કસ નામના કારખાને હતો ત્યારે ચાલુ લીફટમાં ફસાઈ જતાં માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેનું હોસ્પિટલના બીછાને મોત નિપજ્યું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી ભક્તિનગર પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલ દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતક રહેમાન બે ભાઈમાં નાનો અને ધો.8માં અભ્યાસ કરતો હતો. આજે સવારે તે જંગલેશ્ર્વરમાં ગોકુલનગરમાં આવેલા કાકા નાસીરભાઈના કારખાને આંટો મારવા ગયો હતો ત્યારે અકસ્માતે ગુડઝ લીફટમાં ફસાઈ જતાં તેનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. આ બનાવથી પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી હતી.
