ધ્રોલના લતીપર પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત

અન્ય ચાર વ્યક્તિને પણ ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડાયા: મોરબીથી ધ્રોલ તરફ આવતી અર્ટિંગા કાર અને જામનગર તરફ જતી બોલેરો સામસામે અથડાતા બન્ને કાર પડીકું વળી…

અન્ય ચાર વ્યક્તિને પણ ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડાયા: મોરબીથી ધ્રોલ તરફ આવતી અર્ટિંગા કાર અને જામનગર તરફ જતી બોલેરો સામસામે અથડાતા બન્ને કાર પડીકું વળી ગઇ: મૃતકો મોરબીના લાભનગર અને કલ્યાણપુર તાલુકાના ચાસલાણા ગામના વતની

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલા લતીપર હાઇવે રોડ પર બુધવારે સાંજે સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય 4 લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. જેઓને વધુ સારવાર માટે જામનગર ખસેડાયા છે.

અકસ્માતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમો તેમજ ધ્રોલ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. બનાવ અંગે ગફલતભરી રીતે કાર ઓવરટેક કરી અકસ્માત સર્જનાર અર્ટીગા કારચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, આજે બુધવારે સાંજે અંદાજે પાંચ વાગ્યાના અરસામાં મોરબી તરફથી ધ્રોલ તરફ આવી રહેલી જી.જે. 1 આર.એક્સ. 0677 નંબરની અર્ટિકા કાર અને જામનગર તરફ જઈ રહેલી બ્લેક કલરની બલેનો કાર વચ્ચે લતીપર હાઇવે રોડ પર સામસામે ધડાકાભેર અથડામણ થઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું અને તેમાં સવાર મુસાફરો વાહનોમાં ફસાઈ ગયા હતા.

સ્થાનિક લોકો અને 108 એમ્બ્યુલન્સના સ્ટાફે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. અકસ્માતમાં કુલ 7 લોકો અસરગ્રસ્ત બન્યા હતા, જેમાંથી ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળેજ અંતરિયાળ મૃત્યુ નિપજ્યા હોવાનું ત્યારબાદ વધુ સારવાર માટે ચારેય ઇજાગ્રસ્તોને જામનગરની જી.જી. હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્માતના બનાવમાં ભોગ બનેલા બલેનો કારમાં સવાર મોરબીના લાભનગર સોસાયટીના વતની કાનજીભાઈ રવજીભાઈ વાઘાણી (28) નું મૃત્યુ નીપજ્યું હતું , જે મૂળ માળિયા તાલુકાના દેવગઢના વતની છે, જ્યારે સામે આવી રહેલી અર્ટિગા કારમાં સવાર બે મહિલાઓના મૃત્યુ થયા હતા. જેમાં એક મહિલાનું નામ પૂજાબેન તેજસભાઈ અપારનાથી (ઉંમર વર્ષ 24) રે. ચાસલાણા ગામ, તાલુકો કલ્યાણપુર, જિલ્લો દેવભૂમિ દ્વારકા તેમજ પૂજાબેન ઉર્ફે જાગુબેન રામગર અપારનાથી (ઉંમર વર્ષ 36) જેઓ પણ ચાસલાણાં ગામ તાલુકો કલ્યાણપુરના વતની હોવાનું જાણવા મળ્યું છે.

જે ત્રણેયના મૃતદેહો નું ધ્રોળની સરકારી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવાયું છે.પ્રાથમિક અનુમાન મુજબ બંને કાર વચ્ચે સામસામે અથડામણ થતાં અકસ્માત સર્જાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે વધુ તપાસ શરૂૂ કરી છે. આ ગમખ્વાર અકસ્માતના બનાવથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *