બાંગ્લાદેશી ઘુસણખોરી પાછળ સંગઠિત નેટવર્ક

પોલીસની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા, એજન્ટો રૂા.5 થી10 હજારમાં સરહદ પાર કરાવી દેતા બેનાપોલ, પેટ્રાપોલ અને ત્રિપુરા બોર્ડરેથી અંધારામાં હોડકાઓ મારફત ઘુસણખોરી ગુજરાતમાં તાજેતરમાં પોલીસ દ્વારા…

પોલીસની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા, એજન્ટો રૂા.5 થી10 હજારમાં સરહદ પાર કરાવી દેતા

બેનાપોલ, પેટ્રાપોલ અને ત્રિપુરા બોર્ડરેથી અંધારામાં હોડકાઓ મારફત ઘુસણખોરી

ગુજરાતમાં તાજેતરમાં પોલીસ દ્વારા બાંગ્લાદેશી ઘુસણખોરો સામે ચલાવાયેલી ઝુંબેશ દરમિયાન પકડાયેલા બાંગ્લાદેશીઓની ઘુસણખોરી અંગે ચોંકાવનારા ખુલાસા થયા છે. હજારો બાંગ્લાદેશી નાગરિકોને ભારતમાં ઘુસાડવા માટે સંગઠીત નેટવર્ક પણ કામ કરી રહ્યાનો ઘટસ્ફોટ થયો છે જેના કારણે સુરક્ષા એજન્સીઓ ચોંકી છે અને સરહદી સુરક્ષા સામે પણ સવાલો ઉઠયા છે.

બાંગ્લાદેશી નાગરિકોની પૂછપરછ દરમિયાન ગેરકાયદેસર ઘૂસણખોરીના આંતરરાષ્ટ્રીય નેટવર્ક અંગે મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે. તપાસમાં ખુલ્યું છે કે બાંગ્લાદેશથી ભારતમાં ગેરકાયદેસર પ્રવેશ માટે સરહદી વિસ્તારોમાં કાર્યરત એજન્ટો મુખ્ય ભૂમિકા ભજવતા હતા અને તેઓ પ્રતિ વ્યક્તિ રૂૂ. 5 હજારથી 10 હજાર સુધીની રકમ વસૂલતા હતા.

પોલીસના જણાવ્યા મુજબ ઘૂસણખોરી માટે મુખ્યત્વે બેનાપોલ, પેટ્રાપોલ અને ત્રિપુરા બોર્ડરના માર્ગોનો ઉપયોગ કરવામાં આવતો હતો. ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ્યા બાદ મોટાભાગના લોકો ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં આશરો લઈ પોતાની ઓળખ છુપાવતા અને કચરો તેમજ ભંગાર વીણી ગુજરાન ચલાવતા હતા.પકડાયેલા લોકોના નિવેદનો અનુસાર તેઓ મોટાભાગે રાત્રિના સમયે સરહદ પાર કરતા હતા.

અંધારાનો લાભ લઈ સુરક્ષા એજન્સીઓની નજરથી બચવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. કેટલાક કિસ્સાઓમાં પરિવારના સભ્યો સાથે મળીને સરહદ પાર કરાઈ હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસ સમક્ષ તેમણે સ્વીકાર્યું હતું કે તેમની પાસે પાસપોર્ટ, વિઝા કે અન્ય કોઈ કાયદેસર દસ્તાવેજો નહોતા. રોજગારીની તંગી અને ઓછી આવકને કારણે ભારતમાં કામની શોધમાં ઘુસણખોરી કરી છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે કેટલાક એજન્ટો સરહદી નદીઓનો ઉપયોગ કરીને બાંગ્લાદેશી નાગરિકોને ભારતમાં પ્રવેશ કરાવતા હતા.

આશરે 100થી 150 કિલોમીટર લાંબા સરહદી પટ્ટામાં નાની હોડીઓ અથવા હોડકાઓ મારફતે રાત્રિના સમયે લોકોને સરહદ પાર કરાવવામાં આવતા હતા. સુરક્ષા એજન્સીઓની નજરથી બચવા માટે ઘૂસણખોરીના માર્ગો વારંવાર બદલવામાં આવતા હતા અને કોઈ ચોક્કસ રૂૂટનો ઉપયોગ કરવામાં આવતો ન હતો.

પોલીસ હવે આ સમગ્ર રેકેટમાં સંકળાયેલા સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય એજન્ટોની ઓળખ મેળવવા અને નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ કરી રહી છે. પોલીસના મતે, ગેરકાયદેસર ઘૂસણખોરી પાછળ કાર્યરત સંગઠિત તંત્ર અંગે હજુ વધુ મહત્વપૂર્ણ માહિતી બહાર આવી શકે છે. આ ઘટનાએ સરહદી સુરક્ષા અને ગેરકાયદેસર સ્થળાંતરના મુદ્દાને ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *