રાજકોટ, જૂનાગઢ અને જામનગરમાં બાઈક અકસ્માતમાં ત્રણનાં મોત

વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ દરરોજ જીવલેણ અકસ્માતો સર્જાઈ રહ્યા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે વધુ ત્રણ ઘટનામાં રાજકોટ, જુનાગઢ અને…

વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ દરરોજ જીવલેણ અકસ્માતો સર્જાઈ રહ્યા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે વધુ ત્રણ ઘટનામાં રાજકોટ, જુનાગઢ અને જામનગર પંથકમાં બાઈક અકસ્માતમાં ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા છે.


જાણવા મળતી વિગત મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ગોંડલના દેરડી ગામે રહેતા જોગડીયા જેઠાભાઈ ભુરીયા નામનો 30 વર્ષનો યુવાન બે દિવસ પૂર્વે પોતાનું બાઈક લઈને સાળીને મુકવા ગયો હતો અને ગોંડલથી પરત દેરડી જતો હતો ત્યારે રસ્તામાં કૂતરું આડુ ઉતરતા બાઇક સ્લીપ થયું હતું. જે બાઇક અકસ્માતમાં ઘવાયેલા યુવાને રાજકોટ સારવારમાં દમ તોડ્યો હતો. યુવકના મોતથી ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. બીજા બનાવમાં વિસાવદરના સરસાઈ ગામે રહેતા શૈલેષ વિરસંગભાઈ બરજોડ નામનો 18 વર્ષનો યુવાન બપોરના ચારેક વાગ્યાના અરસામાં બાઈક લઈને ફાકી લેવા જતો હતો. ત્યારે સરસઇ ગામે રામાપીરના મંદિર પાસે બાઈક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો.

યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું મોત નિપજતા પરિવાર શોકમા ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવા ત્રણ ભાઈ બે બહેનમાં નાનો હતો અને મૂળ દાહોદનો વતની હોવાનું જાણવા મળ્યું છે.આ ઉપરાંત ત્રીજા બનાવમાં જામનગરના ખારાવેઢા ગામે રહેતા સામતભાઈ વીરાભાઇ લામકા નામના 50 વર્ષના આધેડ રાત્રીના દસેક વાગ્યાના અરસામાં મંગલપુર ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સામતભાઈ લામકાએ ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થયું હતું જેમાં ગંભીર રીતે ઘવાયેલા સામતભાઈને તાત્કાલિક સારવાર માટે પડધરી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.

પ્રાથમિક પૂછપરછમાં સામતભાઈ લામકા ત્રણ ત્રણ ભાઈ ત્રણ બહેનમાં મોટા હતા અને તેમને સંતાનમાં ચાર પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.આ ઉપરાંત અન્ય બનાવમાં કલ્યાણપુરના રાવલ ગામે રહેતા દેવાભાઈ રામસિંગભાઈ કાગડિયા નામનો 40 વર્ષનો યુવાન બે દિવસ પૂર્વે પોતાના ઘરે હતો ત્યારે સાંજના છએક વાગ્યાના અરસામાં અકસ્માતે પડી ગયો હતો. યુવકને તાત્કાલિક સારવાર માટે જામખંભાળિયા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જયા યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં કરૂૂણ કલ્પાંત સર્જાયો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન ત્રણ ભાઈ એક બહેનમાં મોટો હતો અને તેને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *