ભાવનગર શહેરમાં પારિવારિક ઝઘડો લોહિયાળ ઘટનામાં પરિણમતા જમાઈ એ સસરા ની હત્યા કરી હતી. પત્ની પિયર જવા માટે નીકળતા પતિએ તેની સાથે મારઝૂડ કરી હતી. આ દરમિયાન વચ્ચે પડેલા સસરા પર પણ જીવલેણ હુમલો કરવામાં આવતા તેમનું મૃત્યુ થયું હતું. બનાવ અંગે પોલીસે જમાઈ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગર શહેરમાં રહેતા ગોરધનભાઈ તળશીભાઈ દલસાણીયાની પુત્રી રસીલા ના લગ્ન રાકેશભાઈ કુકવાવા સાથે થયા હતા. રસીલા બેન ના પગનું ઓપરેશન કરાવવાનું હોવાથી તેઓ પિયર રહેવા આવ્યા હતા. ઓપરેશન બાદ પણ રસીલાબેન પિયર જ રહેતા હોવાથી પતિ રાકેશભાઈ અને તેના પરિવારજનો સાથે આ મુદ્દે વારંવાર તકરાર થતી હતી.
ગઈકાલે સાંજના સમયે રાકેશભાઈ પત્નીને પરત લઈ જવા માટે સસરાના ઘરે પહોંચ્યા હતા. ત્યાં કોઈ કારણસર બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બોલાચાલી દરમિયાન રાકેશભાઈએ પત્ની સાથે મારઝૂડ શરૂૂ કરી હતી. પત્નીને બચાવવા અને મામલો શાંત પાડવા વચ્ચે પડેલા સસરા ગોરધનભાઈ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.
હુમલા દરમિયાન ગોરધનભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાના પગલે વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે હત્યા અને મારામારી સહિતના ગુનાઓ દાખલ કરી મુખ્ય આરોપી રાકેશભાઈ કુકવાવા, પારુલ રાકેશ ભાવેશભાઈ સોલંકી તથા હેતલબેન ઘનશ્યામભાઈ મકવાણાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂૂ કરી છે.
