રાજકોટ જેલમાંથી વચગાળાના જામીન મેળવી ફરાર થયેલો કેદી તાલાલામાંથી ગાંજા સાથે ઝડપાયો

ગીર સોમનાથ પોલીસે તાલાલામાંથી એક આરોપીને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. આ આરોપી રાજકોટ મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જામીન પર છૂટ્યા બાદ પરત હાજર ન…

ગીર સોમનાથ પોલીસે તાલાલામાંથી એક આરોપીને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. આ આરોપી રાજકોટ મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જામીન પર છૂટ્યા બાદ પરત હાજર ન થઈ ફરાર હતો. જિલ્લામાં માદક પદાર્થોની હેરાફેરી રોકવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી હતી.

જૂનાગઢ રેન્જ આઈ.જી. રાજેન્દ્રસિંહ ચુડાસમા અને ગીર સોમનાથ એસ.પી. જયદીપસિંહ જાડેજાની સૂચના મુજબ, એસ.ઓ.જી. ઇન્ચાર્જ પી.આઈ. ડી.એમ. કાગડા અને પી.એસ.આઈ. આર.એચ. સુવાની રાહબરી હેઠળ તાલાલા પોલીસ સ્ટાફ બકરી ઈદના તહેવાર નિમિત્તે પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન એસ.ઓ.જી. શાખાના એ.એસ.આઈ. જીજ્ઞેશગીરી અમૃતગીરી અને તાલાલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્રભાઈ ગાધેને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરાઈ.

બાતમીના આધારે તાલાલા માર્કેટિંગ યાર્ડ સામે, હિરણ નદીના કાંઠે આવેલા રમરેચી સીમ વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે મહાદેબ મલ્લીક ઉર્ફે મધુમલીક નામના આસામના રહેવાસી શખ્સને માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે પકડી પાડ્યો હતો. તાલાલા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટની કલમ 8(ઈ), 20(શશ)(અ), 29 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

વધુ તપાસમાં સામે આવ્યું કે, પકડાયેલ આરોપી મહાદેબ મલ્લીક ઉર્ફે મધુમલીક વિરુદ્ધ અગાઉ 2009માં જામનગરના પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. આ કેસમાં તેને નામદાર કોર્ટે દસ વર્ષની સજા અને રોકડ દંડ ફટકાર્યો હતો. આરોપી રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહ્યો હતો ત્યારે તેને વચગાળાના જામીન મળ્યા હતા. જોકે, જામીન પર છૂટ્યા બાદ તે પરત જેલમાં હાજર થયો ન હતો અને ત્યારથી ફરાર હતો. આ બાબતે આરોપી વિરુદ્ધ અલગથી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસે આરોપી પાસેથી 519 ગ્રામ ગાંજો, જેની કિંમત 25,950 રૂૂપિયા થાય છે, અને એક મોબાઈલ ફોન જપ્ત કર્યો છે. આરોપીની મોડસ ઓપરેન્ડી પોતાના કબજામાં ગાંજાનો જથ્થો રાખી છૂટક વેચાણ કરવાની અને પેરોલ પરથી જેલમાં હાજર ન થઈ નાસી જવાની હતી. આ કાર્યવાહીમાં ગીર સોમનાથ એલ.સી.બી. અને એસ.ઓ.જી.ના અધિકારીઓ તથા તાલાલા પોલીસ સ્ટાફ જોડાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *