હત્યાનો ભોગ બનનાર વૃદ્ધ નાણા ધિરધારનું કામ કરતા, ઘરમાં મોટી રકમ રહેતી

રૈયાધારે વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલવા પોલીસની મથામણ, ઘરમાંથી ત્રણ લાખ ગાયબ: પૈસાની લેતી-દેતી અથવા લૂંટના ઈરાદે હત્યા થયાની પ્રબળ શંકા શહેરના રૈયાધાર વિસ્તારમાં શાંતિનગરના ગેઈટ…

રૈયાધારે વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલવા પોલીસની મથામણ, ઘરમાંથી ત્રણ લાખ ગાયબ: પૈસાની લેતી-દેતી અથવા લૂંટના ઈરાદે હત્યા થયાની પ્રબળ શંકા

શહેરના રૈયાધાર વિસ્તારમાં શાંતિનગરના ગેઈટ સામે આવેલા મોમાઈનગર શેરી નં.3 મફતિયાપરામાં એકલા રહેતાં મનસુખભાઈ આણંદજીભાઈ ટાંક (ઉ.વ.73)ની ગઈકાલે રાત્રે માથામાં બોથડ પદાર્થનો ઘા ઝીંકી, ઘાતકી રીતે હત્યા નિપજાવ્યા બાદ, લાશને સળગાવી દેવાયાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે. જો કે મનસુખભાઈની કોણે અને કયા કારણસર હત્યા કરી તે વિશે પોલીસને કોઈ માહિતી મળી નથી.આ હત્યાની ઘટનામાં મૃતકના ઘરમાં રહેલા રૂૂપિયા ત્રણ લાખ જેવડી મોટી રકમ પણ ગાયબ હોય હાલ લૂંટના ઇરાદે અને પૈસાની લેતી દેતી દેતી મામલે હત્યા થઈ હોવાની પ્રબળ શંકા હોવાથી તે દિશામાં તપાસ ચાલી રહી છે તેમજ આ હત્યાનો ભેદ ઉકેલવા માટે ગાંધીગ્રામ-ર પોલીસના પીઆઇ એચ.એન.પટેલની ટિમ સાથે ક્રાઈમ બ્રાંચની ટીમોએ પણ તપાસમાં ઝુકાવ્યું છે.

સોમવારે રાત્રે સાડા દસેક વાગ્યે તેમના મકાનમાંથી ધુમાડા નિકળતા જોઈ પાડોશીઓએ નજીકમાં રહેતાં તેમના સગા-સંબંધીઓને જાણ કરી હતી. જેથી તમામ દોડી આવ્યા હતા.આવીને જોયું તો મનસુખભાઈ મૃત હાલતમાં પડયા હતા. માથામાં ઈજાના નિશાન હતા. હાથ અને છાતીના ભાગે દાઝી ગયેલા હતા. જેના પરથી પોલીસે એવું તારણ કાઢયું છે કે મનસુખભાઈને હત્યારાઓએ માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી પતાવી દીધા બાદ બનાવને આત્મહત્યામાં ખપાવવા તેમની લાશ સળગાવી દીધી હશે.

ગઈકાલે સ્થળ પર મનસુખભાઈને 108ના તબીબોએ મૃત જાહેર કર્યા હતા. જાણ થતાં ગાંધીગ્રામ-ર પોલીસ સ્થળ પર પહોંચી હતી. આજે સિવીલમાં ફોરેન્સિક નિષ્ણાંત તબીબો પાસે પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. મોડી સાંજે પોલીસે મૃતકના જમાઈ દયાળજીભાઈ બેચરભાઈ વાઘેલા (ઉ.વ.પ6, રહે. કૈલાશ પાર્ક-3, રણુંજા મંદિર પાછળ)ની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે હત્યા અને પુરાવાનો નાશ કરવા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

જાણ થતાં ડીસીપી જગદિશ બાંગરવાએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. જે દરમિયાન મકાનમાંથી પ્રાથમિક તપાસમાં કોઈ મત્તાની ચોરી કે લુંટ નહીં થયાનું બહાર આવ્યું છે. જે તિજોરી હતી તે સલામત હતી. આ સ્થિતિમાં હત્યા ખરેખર ચોરી કે લુંટના ઈરાદે થઈ છે કે કેમ તે બાબતે પોલીસ હજૂ કોઈ ચોકકસ નિષ્કર્ષ ઉપર પહોંચી શકી નથી.

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે ચોરી કે લુંટના ઈરાદા સહિતની તમામ થિયરીઓ ઉપર તપાસ ચલાવવામાં આવી રહી છે. ઘટનાસ્થળ આસપાસ સીસીટીવી કેમેરા નથી. થોડે દુર કેમેરા છે. જેની મદદ ઉપરાંત આસપાસના લોકો પાસેથી માહિતી મેળવી તપાસ કરવામાં આવી રહી છે.હત્યાનો ભોગ બનનાર મનસુખભાઈ નાણા ધીરધારનું પણ કામ કરતા હતા.તેમના ઘરમાં મોટી રકમ રહેતી હોવાથી આ એંગલ ઉપર પણ તપાસ કરવામાં આવી રહી છે.

મનુસખભાઈના પત્નીનું પાંચ વર્ષ પહેલાં અવસાન થયું હતું,પુત્રે 25 વર્ષ પહેલાં આપઘાત કર્યો હતો
હત્યાનો ભોગ બનનાર મનસુખભાઈના પત્ની ચતુરાબેન પાંચેક વર્ષ પહેલાં બિમારી સબબ મૃત્યુ પામ્યા હતા. જયારે પુત્ર સંજયે રપ વર્ષ પહેલાં આત્મહત્યા કરી લીધી હતી. ત્રણ પુત્રીના લગ્ન થઈ ગયા છે.હાલમાં મનસુખભાઈ એકલા રહેતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *