શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સામે સતત સવાલો ઉઠે તેવી ઘટનાઓનો સિલસિલો શરૂૂ થયો છે. ભક્તિનગર સર્કલ જેવા સતત ધમધમતા વિસ્તારમાં કાલે બપોરે વિમલ ધર્મેન્દ્રભાઈ વાણીયા (ઉ.વ.27)ની તેના સાળા કમલેશ ઉર્ફે કાનો લાખાભાઈ ધાંધલ અન્ય બે આરોપીઓ સાથે મળી છરીના આડેધડ ઘા ઝીંકી હત્યા નિપજાવતા સમગ્ર વિસ્તારમાં સોપો પડી ગયો હતો. ભક્તિનગર પોલીસે એકાદ આરોપીને સકંજામાં લઈ બાકીના આરોપીઓની શોધખોળ શરૂૂ કરી છે. વિમલે આંતરજ્ઞાતિય લગ્ન કર્યા હતા, જેનો ખાર રાખી તેની હત્યા કરાયાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
હત્યાનો ભોગ બનનાર વિમલની માતા ભારતીબેન (ઉ.વ.48) સહકાર મેઇન રોડ પરના જમનાનગર શેરી નં.4માં ભાડાના મકાનમાં રહે છે. તેમણે પોલીસને જણાવ્યું કે, હાલ તે પતિ જેન્તીભાઈ ભાભર સાથે રહે છે. તેના આ બીજા લગ્ન છે. 30 વર્ષ પહેલા પોતાની જ જ્ઞાતિના ધર્મેન્દ્રભાઈ સાથે લગ્ન કર્યા હતા. સંતાનમાં પુત્ર વિમલ અને પુત્રી દીપાલીની પ્રાપ્તિ થઈ હતી. પુત્ર વિમલ છ વર્ષનો હતો ત્યારે જ પતિ ધર્મેન્દ્રભાઈનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું.
સાતેક વર્ષ પહેલા વિમલને ખોખડદડ પુલ પાસે શિવધારા સોસાયટીમાં રહેતી બીજી જ્ઞાતિની શિતલ લાખાભાઈ ધાંધલ સાથે પરિચય બાદ પ્રેમસંબંધી બંધાતા બંનેએ ભાગીને લગ્ન કરી લીધા હતા. લગ્નના થોડા સમય પછી જ બંને કડી તરફ રહેવા જતા રહ્યા હતા. જ્યાંનું સરનામું મેળવી શિતલનો ભાઈ કમલેશ ઉર્ફે કાનો પહોંચી ગયો હતો. જેણે વિમલને ઢોર માર માર્યો હતો.
એટલું જ નહીં બહેન શિતલને લઈને જતો રહ્યો હતો. થોડા સમય બાદ શિતલના બીજી લગ્ન કરાવી નાખ્યા હતા. જેના ચાર માસ બાદ શિતલ ઘરેથી ભાગીને ફરીથી વિમલ પાસે આવી ગઈ હતી. બંને ત્રણેક વર્ષ સુધી શાપર, બે વર્ષ સુધી મેટોડા અને છેલ્લા અઢી વર્ષથી જમનાનગરમાં તેની બાજુમાં રહેતા હતા. 11 માસ પહેલા શિતલને પુત્રનો જન્મ આપ્યો હતો. છેલ્લા ઘણા સમયથી કમલેશ ઉર્ફે કાનો અને પરિવારના સભ્યો વિમલ અને શિતલને મારી નાખવાની ધમકી આપતા હતા. બપોરે વિમલ મિત્ર તૃપાલ અગ્રાવત સાથે ભક્તિનગર સર્કલે હતો ત્યારે ત્યાં કમલેશ ઉર્ફે કાનો અજાણ્યા શખ્સ સાથે બાઈક ઉપર ધસી આવ્યો હતો. બુલેટ ઉપર બીજો અજાણ્યો શખ્સ હતો.
કમલેશ ઉર્ફે કાનો આવીને વિમલને ગળામાં હાથ નાંખી થોડે દૂર લઈ ગયો હતો. તેની સાથે અજાણ્યો શખ્સ પણ હતો. બંનેએ વિમલ સાથે ઝપાઝપી અને ગાળાગાળી કરી હતી. તે સાથે જ કમલેશ ઉર્ફે કાનાએ કહ્યું કે, તે મારી બહેન સાથે પ્રેમલગ્ન કર્યા છે, હવે તને પતાવી દેવો છે તેમ કહી છરી વડે તૂટી પડ્યો હતો. જેને કારણે વિમલ જમીન પર પટકાઈ ગયો હતો. આ પછી પણ છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. ત્યારબાદ ત્રણેય આરોપીઓ પોતાના વાહનોમાં ભાગી ગયા હતા. વિમલને લોહીલુહાણ હાલતમાં સિવિલ ખસેડાયો હતો, જ્યાં તબીબે મૃત જાહેર કર્યો હતો. આ મર્ડરની જાણ થતાં ઝોન-1ના ડીસીપી, ક્રાઈમ બ્રાંચના ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી સહિતના અધિકારીઓ ઉપરાંત ભક્તિનગર પોલીસનો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો.ગઈકાલે મર્ડરના પગલે વિસ્તારની દુકાનો ટપોટપ બંધ થઈ ગઈ હતી.
