રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત 53 આંગણવાડી કેન્દ્રોમાં તા.25-09થી તા.03-10 દરમિયાન યોજાનાર આંગણ મિલન સેવા કાર્યક્રમની ઉજવણીનો આજથી પ્રારંભ થયો છે. આ ઉજવણી અંતર્ગત બાબરીયા 3 અને બાબરિયા 5 આંગણવાડી કેન્દ્ર ખાતે આંગણ મિલન સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, સેનિટેશન કમિટી ચેરમેન તેમજ વોર્ડ નંબર 17ના કોર્પોરેટર કિર્તીબા રાણા, લીનાબેન રાવલ (રાજકોટ શહેર મહિલા મોરચાના પ્રમુખ), મહિલા મોરચા મહામંત્રી રાજકોટ શહેર માધવીબેન જોગીયા તેમજ સંગઠન મંત્રી ચંદ્રિકાબેન સિદ્ધપુરા ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનો દ્વારા આંગણવાડી કેન્દ્રની વિવિધ સેવાઓ તથા પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમજ બાળકો, માતાઓ, વાલીઓ અને કિશોરીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે આંગણવાડી કેન્દ્ર ખાતે બાળકો દ્વારા બાળગીત, બાળવાર્તા, વિવિધ રમતો, ચિત્રકામ તથા આનંદદાયક પ્રી-સ્કૂલ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. કિશોરીઓ દ્વારા રંગોળી બનાવવામાં આવી હતી તેમજ માતૃમંડળ, વાલીઓ તથા કિશોરીઓ સાથે પોષણ, આરોગ્ય, સ્વચ્છતા અને સંતુલિત આહાર અંગે સંવાદ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન બાળકોને ફળ, સુખડી તથા પ્રોત્સાહક ગિફ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ લાભાર્થીઓને ઝઇંછનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આંગણવાડી કેન્દ્રના બે પોષણ ચેમ્પિયન બાળકોની પસંદગી કરી તેમને પ્રોત્સાહક ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં નિયમિત રીતે આંગણવાડી કેન્દ્ર ખાતે આવતા તથા પ્રી-સ્કૂલ પ્રવૃત્તિઓમાં સક્રિય બાળક તેમજ કુપોષણમાંથી સામાન્ય થયેલ બાળકનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, આંગણવાડી કાર્યકર, તેડાગર તથા આશા બહેનની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવા માટે તેમને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ના સંદેશ/પત્રનું વાંચન કરવામાં આવ્યું હતું.
આમંત્રણ કાર્ડ દ્વારા લોકસહભાગિતાનો અનોખો પ્રયાસ
આંગણ મિલન સેવા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર વિવિધ મહેમાનો તથા પદાધિકારીઓને પૂર્ણા યોજનાની લાભાર્થી કિશોરીઓ દ્વારા રૂૂબરૂૂ આમંત્રણ કાર્ડ આપવામાં આવ્યા હતા. આ પ્રવૃત્તિ દ્વારા કિશોરીઓમાં નેતૃત્વ, સંવાદ કૌશલ્ય તથા સામાજિક સહભાગિતાની ભાવનાવિકસે તે માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આંગણ મિલન સેવા કાર્યક્રમનો મુખ્ય હેતુ આંગણવાડી કેન્દ્રને બાળ વિકાસ, પોષણ, આરોગ્ય, પૂર્વ પ્રાથમિક શિક્ષણ તથા જનસહભાગિતાના જીવંત કેન્દ્ર તરીકે વધુ સુદૃઢ બનાવવાનો છે.
