સિલ ગામે હડકાયા શ્ર્વાનનો આતંક: 22 લોકોને બચકાં ભર્યા

ત્રણ દિવસથી હિંસક બનેલા શ્ર્વાનના ભયથી લોકોમાં ફફડાટ: ‘કૂતરાને પકડી જાવ કા બંદૂકે દઇ દો’ તેવી ગ્રામજનોની માંગ જૂનાગઢના માંગરોળ તાલુકાના શીલ ગામમાં છેલ્લા ત્રણ…

ત્રણ દિવસથી હિંસક બનેલા શ્ર્વાનના ભયથી લોકોમાં ફફડાટ: ‘કૂતરાને પકડી જાવ કા બંદૂકે દઇ દો’ તેવી ગ્રામજનોની માંગ

જૂનાગઢના માંગરોળ તાલુકાના શીલ ગામમાં છેલ્લા ત્રણ દિવસથી રખડતા અને હડકાયા થયેલા શ્વાનને કારણે ભારે આતંકનો માહોલ જોવા મળી રહ્યો છે. આ હિંસક બનેલા શ્વાને રસ્તે ચાલતા નિર્દોષ નાગરિકો, મહિલાઓ તેમજ માસૂમ બાળકોને નિશાન બનાવીને હુમલા કર્યાં છે, જેમાં અત્યાર સુધીમાં 22 લોકોને ગંભીર રીતે બચકા ભરીને લોહીલુહાણ કરી નાખ્યા છે. એક પ્રૌઢને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે.

શ્વાનના આ સતત વધી રહેલા ત્રાસને કારણે સમગ્ર પંથકના સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ અને ત્રાહિમામ પોકારી ગયા છે. આ હુમલાઓમાં ઘાયલ થયેલા તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે વધુ ગંભીર ઈજા પામેલા દર્દીઓને વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે. આ ગંભીર પરિસ્થિતિને પગલે સ્થાનિક લોકોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ શ્વાનને વહેલી તકે પકડી પાડવા માટે ઉગ્ર માંગ ઉઠી છે. જયારે મધરાતે નિંદ્રાધીન નટુભાઇ નાથાભાઇ વાઘેલા નામના 45 વર્ષના પ્રૌઢ ઉપર હડકાયા શ્ર્વાને એટેક કરી મોઢાના ભાગે ભચકા ભરી લીધા હતા. પ્રૌઢને ગંભીર ઇજા પહોંચતા લોહીલુહાણ હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ શ્વાન કરડવાની ઘટનામાં ભોગ બનેલા વૃદ્ધા નાનીબેને જણાવ્યું હતું કે, સવારે ઘરના બાથરૂૂમમાંથી બહાર આવીને ઓસરીમાં અચાનક એક કૂતરો ધસી આવ્યો હતો. જેને મારા પર હુમલો કરી દીધો હતો અને હાથના ભાગે ગંભીર રીતે બચકા ભરી લીધા હતા. અમે વાડી વિસ્તારમાં રહીએ છીએ. અમે ગામમાં ક્યાંય બહુ અવરજવર પણ કરતા નથી, તેમ છતાં કૂતરાએ ઘરમાં ઘૂસીને લોહીલુહાણ કર્યાં અને હું માંડ-માંડ હોસ્પિટલ પહોંચી શકી. પોલીસ ખાતા વાળા કે અન્ય જવાબદારો આ કૂતરાને પકડી જાય અથવા તો તેને બંદૂકે દઈને મારી નાખે.

શીલ ગામના પંકજ ભરડાએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ દિવસથી આ શ્વાનનો ભયંકર આતંક જોવા મળી રહ્યો છે અને તેના કારણે 20થી 22 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. તેમના પોતાના કાકી સવારે સાત વાગ્યે ઘરમાં હતા ત્યારે શ્વાને આવીને તેમને બાઈટીંગ કર્યું હતું અને ત્યારબાદ તેમની નાની ભત્રીજીને પણ કૂતરાએ કરડી ખાધી હતી, જેઓ બંને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

પંકજભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, રાત્રે 12 વાગ્યાની આસપાસ બે કેસ અને સવારે 5 વાગ્યે એક કેસ સામે આવ્યો હોવા છતાં સ્થાનિક વહીવટી તંત્ર હજુ સુધી ઘોર નિદ્રામાં છે અને કોઈ પણ પ્રકારની જાગૃતતા દાખવવામાં આવી નથી. આ હડકાયું શ્વાન હજુ કેટલા લોકોને શિકાર બનાવશે તે અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, અત્યારે તો આ કૂતરું મોટા લોકોને કરડી રહ્યું છે, પણ જો કોઈ નાના માસૂમ બાળકોને નિશાન બનાવશે તો તેની જવાબદારી કોની રહેશે.

તંત્ર પાસે મક્કમ માંગણી કરી છે કે આ વિસ્તારના રખડતા શ્વાનોનું કાયદેસર રીતે યોગ્ય રસીકરણ કરવામાં આવે, જેથી કરીને શ્વાનોમાં વારંવાર આવો હડકવા ન ઉપડે અને ભવિષ્યમાં નિર્દોષ નાગરિકો તેમજ બાળકોના જીવ જોખમમાં ન મુકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *