બર્ધન ચોકમાં ફરીથી રેંકડી-પથારાના દબાણ પર મનપા ત્રાટકતાં નાસભાગ

જામનગર ના બર્ધન ચોક વિસ્તારમાં મહાનગરપાલિકાના તંત્ર દ્વારા દબાણ હટાવવા માટે કડક હાથે કામ લેવાઈ રહ્યું છે, અને મહાનગરપાલિકા અને પોલીસ વિભાગની ટીમ દ્વારા સંયુક્ત…

જામનગર ના બર્ધન ચોક વિસ્તારમાં મહાનગરપાલિકાના તંત્ર દ્વારા દબાણ હટાવવા માટે કડક હાથે કામ લેવાઈ રહ્યું છે, અને મહાનગરપાલિકા અને પોલીસ વિભાગની ટીમ દ્વારા સંયુક્ત રીતે ચેકિંગ કરાઇ રહ્યું છે, તેમ છતાં આજે ફરીથી કેટલાક પથારા વાળાઓ અને રેકડી ચાલકો ઉપરોક્ત વિસ્તારમાં ખડકાઈ ગયા હતા.

જે અંગેની માહિતી મળતાં એસ્ટેટ શાખાના અધિકારી અનવર ગજણ, અને તેઓની ટીમ બર્ધનચોક વિસ્તારમાં પહોંચી ગઈ હતી, અને દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરી હતી. આ વેળાએ ધંધાર્થીઓમાં ભારે નાશ ભાગ અને રકઝક થઈ હતી.

એસ્ટેટ શાખાની ટુકડીએ જુદા જુદા ત્રણ ટ્રેક્ટરમાં 40 જેટલા પથારાવાળાઓનો માલ સામાન જપ્ત કરી લીધો હતો, ઉપરાંત પાંચ માલ સામાન ભરેલી રેકડીઓ પણ કબ્જે કરી લઈ મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દીધી હતી. આ કાર્યવાહીને લઈને બર્ધન ચોક- માંડવી ટાવર સહિતના વિસ્તારમાં ભારે ધમાચકડી મચી ગઈ હતી. આ વેળાએ પોલીસની ટીમ પણ સાથે રહી હતી, અને તંત્ર એ મચક આપ્યા વિના તમામનો સામાન જપ્ત કરી લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *