ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વાડીએ દર્શન કરવા ગયેલા 65 વર્ષીય વૃદ્ધા મંજુલાબેન પ્રવીણભાઈ ધડુકનું પાડોશીની વાડીના કૂવામાં પડી જવાથી ડૂબી જવાથી મોત નીપજ્યું છે.
રવિવારની રજા હોવાથી રાજકોટથી માતા-પિતાને મળવા આવેલા પુત્રએ શોધખોળ હાથ ધરતા માતાનો મૃતદેહ કૂવામાંથી મળી આવ્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ઘોઘાવદર ગામે રહેતા મંજુલાબેન ધડુક દરરોજ સવારે પોતાના નિત્યક્રમ મુજબ વાડીમાં આવેલા સુરાપુરા કાના દાદાના મંદિરે દર્શન કરવા જતા હતા. રવિવારે સવારે આશરે 08:00 વાગ્યે પાડોશી રઘુ ડોબરીયા તેમને બાઈક પર વાડીએ મૂકી આવ્યા હતા. મંદિરે દર્શન કર્યા બાદ પરત ફરતી વખતે મંજુલાબેન નજીકમાં આવેલી રાજુ છગન ચોવટીયાની વાડીના કૂવામાં પાણી જોવા ગયા હતા. આ દરમિયાન અચાનક સંતુલન ગુમાવતા તેઓ ઊંડા કૂવામાં ખાબક્યા હતા.
મૃતકનો પુત્ર ધવલ રાજકોટ રહે છે, જે રવિવારની રજા હોવાથી માતા-પિતાને મળવા ગામડે આવ્યો હતો. ઘરે માતા ન જણાતા તેણે પિતા પ્રવીણને ફોન કર્યો હતો, જેઓ અન્ય વાડીએ ટ્રેક્ટર ચલાવી રહ્યા હતા. માતાની ભાળ ન મળતા ધવલ અને અન્ય ગ્રામજનોએ વાડી વિસ્તારમાં શોધખોળ શરૂૂ કરી હતી. તપાસ દરમિયાન પાડોશીની વાડીના કૂવામાં મંજુલાબેનનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો.
ઘટના અંગે તાત્કાલિક ગોંડલ નગરપાલિકાની ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઈટરોએ ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો હતો. પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે અને અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મૃતક મંજુલાબેન સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી ધરાવે છે, જે બંને પરિણીત છે. નિત્યક્રમ મુજબ દર્શન કરવા ગયેલા માતાના અચાનક મૃત્યુથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
