બગસરા તાલુકાના શાપર ગામે રહેતા અને તાજેતરમાં જ ધોરણ-10ની પરીક્ષા આપનાર 16 વર્ષીય તરુણનું કાર અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું છે. ધારી-વિસાવદર રોડ પર પ્રેમપરા ગામ પાસે કાર ડિવાઈડર સાથે ભટકાતા સર્જાયેલા આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા તરુણે રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.
વિગતો મુજબ, શાપર ગામે રહેતો જય કામેશભાઈ સુધાણી (ઉં.વ. 16) ગત તા. 02/04ના રોજ પોતાના પરિવારજનો અને મિત્રો સાથે ધારી સ્થિત પ્રસિદ્ધ ગળાધરા ખોડિયાર માતાજીના મંદિરેથી પરત ફરી રહ્યો હતો. દરમિયાન ધારી-વિસાવદર રોડ પર આવેલા પ્રેમપરા ગામ પાસે કારના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો.
બેકાબૂ બનેલી કાર ધડાકાભેર રોડના ડિવાઈડર સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં જયને માથાના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચી હતી અને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો અહીં સારવાર કારગત ન નીવડતા યુવકે દમ તોડ્યો હતો.
મૃતક જય તેના માતા-પિતાનો એકનો એક પુત્ર અને ત્રણ બહેનોનો એકમાત્ર ભાઈ હતો. તેણે હજુ હમણાં જ ધોરણ-10ની બોર્ડની પરીક્ષા પૂર્ણ કરી હતી અને ઉજ્જવળ ભવિષ્યના સપના સાથે પરિણામની રાહ જોઈ રહ્યો હતો. પરિણામ આવે તે પહેલા જ કુદરતે તેને છીનવી લેતા સુધાણી પરિવારમાં ઘેરો શોક છવાઈ ગયો હતો.
