અમરેલી જિલ્લાના વડિયા ગામના વતની અને હાલ સુરત ખાતે સ્થાયી થયેલા એક પરિવાર પર કુદરતે કહેર વર્તાવ્યો છે. મૂળ વડિયાના રહેવાસી જયંતીભાઈ હંસરાજભાઈ ગઢીયા (પટેલ), ઉંમર વર્ષ 60, ગઈકાલે રાત્રિના સમયે હાર્ટ એટેકનો ભોગ બનતા તેમનું નિધન થયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, જયંતીભાઈના માતાનું તાજેતરમાં જ અવસાન થયું હતું, જેઓની તમામ અંતિમ વિધિઓ પૂર્ણ કર્યા બાદ તેઓ વડિયા (અમરેલી) થી પરત સુરત જઈ રહ્યા હતા. આ દુખદ પ્રસંગની વિધિઓ પતાવીને હજુ પરિવાર શોકમાંથી બહાર આવે તે પહેલા જ રસ્તામાં આ ઘટના બની હતી.
બનાવની વિગતો મુજબ, જયંતીભાઈ ખાનગી બસમાં મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે રાત્રિના આશરે દસ વાગ્યાના સુમારે બસ ચોટીલા નજીક પહોંચી હતી. આ દરમિયાન તેઓને અચાનક છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો. જોતજોતામાં તેમની તબિયત લથડી હતી અને તેઓ બેભાન થઈ ગયા હતા. બસમાં હાજર અન્ય મુસાફરો અને સંબંધીઓ દ્વારા તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં હાજર તબીબોએ તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ ખાનગી બસમાં મુસાફરી દરમિયાન જ તેઓને હાર્ટ એટેક આવી ગયો હોવાનું સામે આવ્યું છે.
જયંતીભાઈ સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી ધરાવે છે. પરિવારના મોભીના આવા આકસ્મિક નિધનથી ગઢીયા પરિવાર અને વડિયા પંથકમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે. માતાની વિધિ પૂર્ણ કરીને ઘરે પરત ફરતી વખતે જ પુત્રનું પણ મૃત્યુ થતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટના અંગેની જાણ થતા જ ચોટીલા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ગુનો નોંધી વધુ તપાસ શરૂૂ કરી છે.
