આટકોટમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરને ઝડપી લેતી SOG

લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા અને કોઈપણ જાતની માન્ય ડિગ્રી વિના મેડિકલ પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરો સામે રાજકોટ ગ્રામ્ય એસઓજીએ લાલ આંખ કરી છે. આ…

લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા અને કોઈપણ જાતની માન્ય ડિગ્રી વિના મેડિકલ પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરો સામે રાજકોટ ગ્રામ્ય એસઓજીએ લાલ આંખ કરી છે. આ ઝુંબેશ અંતર્ગત એસ.ઓ.જી. શાખાએ આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડો પાડી એક બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો હતો.

મળતી માહિતી મુજબ, એસ.ઓ.જી. બ્રાંચના પી.આઈ એફ.એ.પારગીની સૂચના અનુસાર ટીમ આટકોટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસ ટીમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, આટકોટ પોલીસ સ્ટેશન હેઠળ આવતા મોટા દડવા ગામમાં એક શખ્સ કોઈપણ જાતની માન્ય તબીબી ડિગ્રી કે સરકારી લાયસન્સ વિના એલોપેથિક પ્રેક્ટિસ કરી રહ્યો છે.

આ બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમે મોટા દડવા ગામે રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન માલૂમ પડ્યું હતું કે, ધર્મેશભાઇ ઉર્ફે લાલો વિમલભાઇ ગોપીયાણી નામનો શખ્સ પોતાના જ રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવી રહ્યો હતો. તે કોઈપણ શૈક્ષણિક લાયકાત કે ડિગ્રી વિના દર્દીઓને એલોપેથિક દવાઓ, ઇન્જેક્ટેબલ્સ, હાનિકારક સાબિત થઈ શકે તેવા સ્ટીરોઇડ્સ અને એન્ટી-બાયોટીક દવાઓ આપીને લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યો હતો.

એસઓજીએ દરોડો પાડી કલીનીક માંથી વિવિધ ફાર્મા કંપનીઓની એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન, તબીબી સાધનો સહિત કુલ રૂૂપિયા 8,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા આરોપી ધર્મેશભાઇ ઉર્ફે લાલા સામે ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરવા બદલ ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટની કલમ 30 મુજબ ગુનો નોંધી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાય અને જીલ્લા પોલીસ અધીક્ષક વિજયસિંહ ગુર્જરની સૂચના અને માર્ગદર્શન હેઠળ આ સફળ ઓપરેશનમાં એસ.ઓ.જી.ના પી.આઈ એફ.એ.પારગી, પીએસઆઈ જી.જે.ઝાલા, પીએસઆઈ પી.બી.મિશ્રા સાથે હેડ કોન્સ્ટેબલ વિજયભાઇ વેગડ, ક્રિપાલસિંહ જાડેજા, ચંદુભાઇ પલાળીયા તથા પોલીસ કોન્સ્ટેબલ રામદેવસિંહ ઝાલા અને વિજયગીરી રસીકગીરીની ટીમે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *