11 વર્ષનો કરાર 2027માં પૂરો થઇ રહ્યો હોય એ પહેલાં જ એસ.એન.કે. સ્કૂલ મેનેજમેન્ટે કરાર આગળ વધારવા અનિચ્છા દર્શાવી દીધી : શાળા સરકાર હસ્તક લઇ લેવાશે
રાજકોટ મનપા દ્વારા શહેરમાં વર્ષ 2015થી પીપીપી(પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ) મોડલથી ત્રણેય ઝોનમાં એક એક ઈંગ્લીશ મીડિયમ પ્રાયમરી સ્કૂલ ચાલી રહી છે. હાલ તેનુ સંચાલન એસ.એન.કે. સ્કુલ સંભાળી રહી છે પરંતુ વર્ષ 2027થી એસ.એન.કે. સ્કુલ સાથે થયેલુ એમ.ઓ.યુ. પુરુ થતુ હોય એસ.એન.કે. સ્કુલે હવે મનપાની આ ત્રણેય સ્કુલનું સંચાલન સંભાળવામા હવે રસ નથી તેવી અનિચ્છા દર્શાવી હોવાનું જાણવા મળે છે. આ ત્રણેય સ્કુલ સરકાર હસ્તક લઇ લેવાશે તેવો નિર્ણય કરાતો હોવાનું જાણવા મળ્યુ છે. સૌરાષ્ટ્રના શિક્ષણના હબ ગણાતા રાજકોટ શહેરમાં અંગ્રેજી માધ્યમની સરકારી શાળા શરૂૂ કરવા પ્રત્યે ભારે દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે. જેને લીધે હાલ રાજકોટ શહેરમાં અંગ્રેજી માધ્યમની સંપૂર્ણ સરકારી પ્રાથમિક શાળા એક પણ નથી.
હાલ જે 3 શાળા કાર્યરત છે તે પણ પીપીપીના ધોરણે છે. આગામી વર્ષથી એસ.એન.કે. સાથેના અગિયચર વર્ષના કરાર પુરો થઇ રહ્યો છે. આ કરાર હવે આગળ વધારવો નથી તેવી અનિચ્છા એસ.એન.કે.એ વ્યક્ત કરી દીધી છે. આ વચ્ચે રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી દ્વારા આગામી વર્ષ 2027થી શહેરમાં 3 અંગ્રેજી માધ્યમની સંપૂર્ણ સરકારી પ્રાથમિક શાળા શરૂૂ કરવાનો વિશ્વાસ વ્યક્ત કરાયો છે. જેથી આગામી વર્ષથી ત્રણેય શાળાઓમાં માત્ર 25- 25 જ નહીં પરંતુ અનલિમિટેડ વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે. આ સમગ્ર મામલે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી રમેશ જેઠવાએ જણાવ્યું હતું કે, કોર્પોરેશન એરિયામાં ઈસ્ટ, વેસ્ટ અને સેન્ટ્રલ ઝોનમાં અંગ્રેજી માધ્યમની સરકારી પ્રાથમિક શાળાઓ શરૂૂ કરવામાં આવી પરંતુ સંજોગોવસાત વર્ષ 2027થી તેઓ આ સ્કૂલ ચલાવવા ઇચ્છતા નથી અને એમઓયુ પૂર્ણ કરે છે. જેથી આ માટે રાજ્ય કક્ષાએ પ્રાથમિક શિક્ષણ વિભાગની અંદર આ ત્રણેય શાળાઓ એમ જ કંટીન્યુ રહે અને તેનું હસ્તાંતરણ સંપૂર્ણ સરકારી શાળા તરીકે થઈ જાય તે માટેની કાર્યવાહી ચાલુ છે.
થોડા સમયમાં કાર્યવાહી પૂર્ણ થશે અને તેથી કોઈપણ વિદ્યાર્થીઓને અડચણ રહેશે નહીં.સરકારી અંગ્રેજી માધ્યમની ત્રણ પ્રાથમિક શાળા શરૂૂ થશે તેમાં મંજુર થનારા મહેકમ મુજબ કાયમી શિક્ષકોની ભરતી ન થાય ત્યાં સુધી અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરેલા જ્ઞાન સહાયકોને કોન્ટ્રાક્ટ આધારે ભરતી કરી મૂકવામાં આવશે. હાલ ઙઙઙના ધોરણે કાર્યરત અંગ્રેજી માધ્યમની સરકારી પ્રાથમિક શાળાઓ એટલે સાધુવાસવાણી રોડ પર આવેલી રવિન્દ્રનાથ ટાગોર વિદ્યાલય, ભક્તિનગર સર્કલ પાસે વાણીયા વાડીમાં આવેલી કવિ નર્મદ સ્કૂલ અને દૂધની ડેરી પાસે સ્થિત હોમી ભાભા સ્કૂલ જ્યાં કાર્યરત છે તે જ સ્થિતિમાં આગામી વર્ષથી યથાવત રહેશે.
નવી વ્યવસ્થા બાદ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે
અંગ્રેજી માધ્યમની સરકારી પ્રાથમિક શાળાઓ પીપીપી ધોરણે હતી ત્યારે ડ્રો સિસ્ટમથી એડમિશન આપવામાં આવતું હતું અને તેમાં 25-25 વિદ્યાર્થીઓને જ પ્રવેશ મળતા હતા પરંતુ આ ત્રણેય શાળાઓ સરકારી શાળા તરીકે હસ્તાંતરણ થઈ જતા ત્યાં બાલવાટિકાથી લઈને ધોરણ 8 સુધી વિદ્યાર્થીઓને એડમિશન મળી શકશે.
