રાજકોટના સોની વેપારીએ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગતો અનુસાર,કેવડાવાડીમાં રહેતા ગીતાબેન શીરીશભાઈ રાણપરા(ઉ.58)ના પુત્ર તેજસભાઈએ સોના-ચાંદીના વેપારમાં થયેલી નુકસાની અને ત્યારબાદ પેઢીના અન્ય વેપારીઓ દ્વારા કરવામાં આવતી ઉઘરાણી તથા ધમકીઓથી કંટાળીને નાઈટ્રિક એસિડ પી લેતા તેમનું મોત નીપજ્યું હતું. આ કરુણ ઘટનાના પગલે મૃતકના માતાએ ભક્તિનગર પોલીસ મથકે હાર્દિકભાઈ ભરતભાઈ ગોસ્વામી, ભરતભાઈ ગોસ્વામી,વિનોદભાઇ, અરવિદભાઈ ગઢવી, વિપુલભાઇ,રવિભાઈ, યશભાઈ અને ભાયજી સહિતના શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેજસભાઈ અને તેમનો નાનો ભાઈ રૂપેશભાઈ છેલ્લા પાંચ વર્ષથી રાજકોટમાં ’બી.એમ. જ્વેલર્સ’ નામની દુકાન ચલાવતા હતા. વેપાર દરમિયાન તેજસભાઈએ મોરબીના હાર્દિકભાઈ ગોસ્વામી અને તેમના પિતા ભરતભાઈ પાસેથી સોનાના દાગીના ખરીદ્યા હતા. બાદમાં મુંબઈના વિનોદભાઈ નામના વેપારી પાસેથી 70 લાખના દાગીના મંગાવ્યા હતા, જેના માટે અરવિંદભાઈ ગઢવી પાસેથી ઉછીના પૈસા લીધા હતા. જોકે, વિનોદભાઈએ મંગાવ્યા કરતા ઘણા ઓછા દાગીના મોકલતા વેપારમાં મોટું નુકસાન થયું હતું. આ નુકસાનીના કારણે તેજસભાઈ બાકી નીકળતી રકમ સમયસર ચૂકવી શક્યા ન હતા, જેનો લાભ લઈને આરોપીઓએ તેમને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે, હાર્દિકભાઈ ગોસ્વામી, તેમના પિતા ભરતભાઈ અને વિનોદભાઈ સહિતના લોકો અવાર-નવાર દુકાને આવીને પૈસાની ઉઘરાણી કરતા હતા. એટલું જ નહીં, આરોપીઓ દ્વારા તેજસભાઈને “પૈસા આજે પણ આપવા પડશે અને કાલે પણ, નહીંતર જીવતા નહીં છોડીએ” તેવી ગર્ભિત ધમકીઓ આપીને પરિવારને નુકસાન પહોંચાડવાની બીક બતાવવામાં આવતી હતી. આ ઉપરાંત, અન્ય આરોપીઓ વિપુલભાઈ, રવિભાઈ, યશભાઈ અને ભાયજી પણ નફાના નામે સતત દબાણ કરતા હતા. આ લોકોના સતત માનસિક ત્રાસથી કંટાળીને તેજસભાઈએ ગત તારીખ 19/06ના રોજ પોતાની દુકાન પર નાઈટ્રિક એસિડ પી લીધું હતું.
સારવાર દરમિયાન તારીખ 22/06ના રોજ તેમનું નિધન થયું હતું. મૃતક તેજસભાઈએ પોતાના પેન્ટના ખિસ્સામાં એક સુસાઈડ નોટ પણ લખી હતી, જે પરિવારે પોલીસને રજૂ કરી છે. આ સમગ્ર મામલે ભક્તિનગર પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 108, 351(2) અને 54 હેઠળ ગુનો દાખલ કર્યો છે. સમગ્ર કેસની તપાસ પોલીસ સબ ઈન્સ્પેક્ટર સુખદેવસિંહ ગોહિલને સોંપવામાં આવી છે. હાલ આઠ જેટલા નામજોગ આરોપીઓ સામે ફરિયાદ નોંધીને પોલીસે કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે.
