વહીવટી શાખા અને શાસકો વચ્ચે આપસી તાલમેલ? સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં માત્ર ચાર દરખાસ્ત
રાજકોટના જંગલેશ્વરના ડિમોલિશનમાં થયેલા લાખો રૂૂપિયાના કથિત કટકીકાંડનું હાડકુ શાસકોના ગળે એવુ તો ફસાયુ છે કે નથી અંદર ઉતારી શકાય કે નથી બહાર ઓંકી શકાય! ડિમોલિશન વખતે કાજુ કતરી, ખજુર રોલ, મોંઘી દાટ ચા, સમોસા, કચોરી સહિત રજવાડી ભોજનિયાની જિયાફત ઉડી એ સિવાય પણ પાણી, વિડિયોગ્રાફી, મંડપ સર્વિસ સહિતમાં પણ તગડી એવી કટકી થઇ હોવાનો વિવાદ ગત સ્ટેન્ડીંગ કમિટીમાં ખર્ચ મંજૂરીની દરખાસ્ત આવી હતી ત્યારથી ઉઠ્યો છે અને એ પછી તો રોજે રોજ નવા નવા કટકીના હિસાબોના પરપોટા ફૂટી રહ્યા છે. ગત બેઠકમાં ખર્ચ મંજૂરીની દરખાસ્ત પેન્ડીંગ રાખવામા આવી હતી. હવે આવતીકાલે ફરી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં ખર્ચ મંજૂરીની દરખાસ્ત આવી છે. જોવાનું એ રહ્યુ કે, સ્ટેન્ડીંગ ચેરમેનના ગળે ફસાયેલા આ હાડકાનું શું થશે?!
આવતીકાલે સ્ટન્ડીંગ કમિટીની બેઠકનો એજન્ડા આજે બહાર પડ્યો હતો. આશ્ચર્ય એ સર્જાયુ છે કે માત્ર ચાર જ દરખાસ્ત છે. લાગે છે કે, પ્રવર્તમાન વિવાદોના વાવાઝોડા વચ્ચે વહીવટી શાખા અને શાસકો વચ્ચે અંદરખાને આપસી તાલમેલના ભાગરૂૂપે જ આ વખતે ઓછા દરખાસ્ત સાથેનો એજન્ડા ફટાફટ હાથ પર લઇને સ્ટેન્ડીંગ કમિટીની બેઠક સમેટી લઇ મીડિયા સામે વધુ સમય ન આવવુ!
દરખાસ્તમાં ગત વખતે પેન્ડીંગ રાખેલી જંગલેશ્વર ડિમોલિશન વખતેના ભોજનના ખર્ચનો 27 લાખ મંજૂર કરવાની દરખાસ્ત આવી છે. આમ તો નિર્ણય અત્યારથી જ લગભગ નિશ્ચિત એ જણાઇ રહ્યો છે કે, દરખાસ્ત વધુ એક વખત પેન્ડીંગ રહી શકે છે. તપાસ કમિટીની કાર્યવાહી ચાલુ હોય રિપોર્ટ આવ્યા પછી નિર્ણય લેવાશે તેવુ કારણ પણ નિશ્ચિત જણાઇ રહ્યુ છે.
