શહેરના થોરાળા વિસ્તારમાં આવેલા રાધામીરા ઈન્ડસ્ટીયલ એરિયામાં કારખાનામાં કામ કરતાં શ્રમિકો રાત્રીના શેરીમાં ઓટા ઉપર સુતા હતાં ત્યારે તસ્કરો નિંદ્રાધીન શ્રમિકોના ચાર મોબાઈલ ઉઠાવી ગયાની ફરિયાદ પોલીસ ચોકડે નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, મુળ ઉત્તરપ્રદેશનો વતની અને હાલ રાધામીરા ઈન્ડસ્ટ્રીઝ શેરી નં.1માં ગુરૂકૃપા નામના કારખાનામાં કામ કરતો અને કારખાનાની ઓરડીમાં રહેતો ઈમરાન કમરૂદીન અંસારી (ઉ.22)એ થોરાળા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તે ગઈકાલે રાત્રે 1 વાગ્યા સુધી તેના કૌટુંબીક ભાઈ સમીર અસ્લમ અંસારી અને કૌટુંબીક માસા શહીદ વકીલ અંસારી સાથે મોબાઈલ જોયા બાદ ત્રણે કારખાનાની બહાર શેરીમાં ઓટા પર સુઈ ગયા હતાં. સવારે પાંચ વાગ્યે ઉઠીને જોયું તો તેમના ત્રણેયના મોબાઈલ ઓસિંકા પાસેથી કોઈ શખ્સ ચોરી ગયો હતો. આ અંગે તેમણે તેમના શેઠ અતુલભાઈ સોરઠીયાને વાત કરી હતી. બાદમાં આસપાસમાં તપાસ કરતાં તેનાં લત્તામાં રહેતાં જ્ઞાનેન્દ્ર પરશુરામ મિશાદનો પણ મોબાઈલ ચોરાયાનું જાણવા મળ્યું હતું. આમ તસ્કરો ચારેય શ્રમિકોનાં મોબાઈલ ચોરી ગયાની ફરિયાદ થોરાળા પોલીસ મથકમાં નોંધાવતાં પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
