રેલવે કર્મચારી સહિત છ લોકોના હાર્ટએટેકથી મોત

કુવાડવા રોડ, વેલનાથપરા અને માધાપરના યુવાન, મવડીના આધેડ અને રૈયાધારના પ્રૌઢનું હૃદય બેસી ગયું, પરિવારમાં શોક હાર્ટ એટેકથી વધુ ત્રણ લોકોના મૃત્યુ થયા છે.જેમાં સુરેન્દ્રનગરમાં…

કુવાડવા રોડ, વેલનાથપરા અને માધાપરના યુવાન, મવડીના આધેડ અને રૈયાધારના પ્રૌઢનું હૃદય બેસી ગયું, પરિવારમાં શોક

હાર્ટ એટેકથી વધુ ત્રણ લોકોના મૃત્યુ થયા છે.જેમાં સુરેન્દ્રનગરમાં વિજય સોસાયટીમાં રહેતાં નીરૂૂભાઇ નારાયણભાઇ પંડયા (ઉ.વ.57) રાતે અઢી વાગ્યે રાજકોટ પોપટપરા હંસરાજનગરના નાલા પાસે રેલ્વે લોકોશેડમાં કામ કરતાં હતાં ત્યારે એકાએક ઢળી પડતાં બેભાન હાલતમાં સાથી કર્મચારીઓએ સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે રેલ્વે પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર નીરૂૂભાઇ ત્રણ ભાઇ અને બે બહેનમાં વચેટ હતાં. સંતાનમાં પાંચ દિકરી છે. તેઓ રેલ્વેમાં શન્ટીંગ જમાદાર તરીકે નોકરી કરતાં હતાં અને સુરેન્દ્રનગરથી રાજકોટ અપડાઉન કરતાં હતાં. હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું.

બીજા બનાવમાં મવડી વણકરવાસમાં રહેતાં વજાભાઇ ભીખાભાઇ પરમાર (ઉ.વ.48) ગોંડલ રોડ આંબેડકરનગર-5માં રહેતાં તેમના પિત્રાઇભાઇનું અવસાન થયું હોઇ તેના દા’ડામાં ગયા હોઇ જમીને ઝાડ નીચે ખાટલામાં સુતા બાદ નહિ જાગતાં બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. હાર્ટએટેક આવી ગયાનું ખુલ્યું હતું. તે ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં નાના તથા અપરિણીત હતાં. તે બેનર લગાડવાની મજૂરી કરતાં હતાં.

ત્રીજા બનાવમાં માધાપર ઇશ્વરીયા મહાદેવ પાર્ક-10માં રહેતાં મહેશભાઇ ભનુભાઇ રાઠોડ (ઉ.વ.44) બપોરે ઘરે હતાં ત્યારે એકાએક આંચકી આવી ઉલ્ટી થયા બાદ બેભાન થઇ ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. મહેશભાઇ બે ભાઇમાં નાના હતાં. સંતાનમાં ત્રણ દિકરા છે. પોતે કેટરર્સનું કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. હાર્ટએટેક આવી ગયાનું સગાએ જણાવ્યું હતું.

ચોથા બનાવમાં રૈયાધારમાં બાપા સિતારામ ગૌશાળા પાસે રહેતાં મનોજભાઈ રસિકભાઇ પંડયા (ઉ.વ.55) રાતે સાડા અગીયારેક વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવારમાં દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મનોજભાઇ બે ભાઇ અને એક બહેનમાં નાના હતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં હતાં. તેને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. હૃદય રોગનો હુમલો આવી ગયાનું સગાએ કહ્યું હતું.

પાંચમાં બનાવમાં કુવાડવા રોડ ડિમાર્ટ પાછળ આવેલા ઉઘમસિંહ ટાઉનશીપમાં રહેતા મનીષ વીનોદરાય મકવાણા (ઉ.વ.39)આજે સવારે પોતાના ઘરે હતા. ત્યારે હાર્ટએટેક આવી જતા તેમનુ મોત નીપજ્યુ હતું. તેમને સંતાનમાં બે દીકરી છે અને પોતે વાયરમેન હતા. જયારે છઠા બનાવમાં વેલનાથપરા મોરબી રોડ પર રહેતા અનીલ રૂપસિંગ ઉધરેજા (ઉ.વ.36)નામના યુવાને હાર્ટએટેક આવતા તેમનુ મોત નીપજ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *