વર્ષ 2017માં ’પદ્માવત’ ફિલ્મ સામે થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન ક્ષત્રિય રાજપૂત સમાજના યુવાનો પર નોંધાયેલા પોલીસ કેસો પરત ખેંચવાની રાજ્ય સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયને પગલે ઉત્તર ગુજરાત ના રાજપૂત સમાજમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. ખાસ કરીને મહેસાણા અને વિજાપુર વિસ્તારમાં નોંધાયેલા બે મુખ્ય કેસો હવે સત્તાવાર રીતે પાછા ખેંચી લેવામાં આવ્યા છે.
આ વિવાદ દરમિયાન મહેસાણા અને મહુડી પાસે મોટા પાયે વિરોધ પ્રદર્શનો થયા હતા. આ ઘટનાઓને પગલે મહેસાણા પોલીસ સ્ટેશન અને વિજાપુર પોલીસ સ્ટેશન ખાતે ક્ષત્રિય યુવાનો સામે ગુના નોંધવામાં આવ્યા હતા. છેલ્લા ઘણા સમયથી આ કેસો કોર્ટમાં ચાલતા હતા, જેને કારણે અનેક યુવાનોના ભવિષ્ય અને કારકિર્દી પર અસર પડી રહી હતી. સરકારના તાજેતરના નિર્ણયથી આ કાયદાકીય પ્રક્રિયાનો સુખદ અંત આવ્યો છે.
આ કેસો પરત ખેંચવા માટે ઉત્તર ગુજરાત રાજપૂત સમાજ અને અન્ય સામાજિક સંગઠનો દ્વારા લાંબા સમયથી લડત ચલાવવામાં આવી રહી હતી. ગત જુલાઈ 2025 માં સમાજના અગ્રણીઓએ સરકાર સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી. આ રજૂઆતમાં જણાવાયું હતું કે આ આંદોલન કોઈ વ્યક્તિગત સ્વાર્થ માટે નહીં પરંતુ સમાજની અસ્મિતા માટે હતું. આ રજૂઆતોને ધ્યાને લઈને રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આ કેસો પાછા ખેંચવાની મંજૂરી આપવામાં આવી છે.
