કલેકટર તંત્રની જમીન ખાલી કરવાની નોટિસો સામે દબાણકારો હાઈકોર્ટમાં પહોંચ્યા
કલેકટરે આપેલી કલમ 202ની નોટિસમાં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતું હોવાનું હાઈકોર્ટનું તારણ
રાજકોટના આજી વસાહત પાસે આજી નદીના કાંઠે આવેલ જંગલેશ્ર્વર સહિતની પાંચ સોસાયટીના 1358 જેટલા દબ્ણકારોને સરકારી જમીન ખાલી કરવા કલેકટર તંત્ર દ્વારા આપવામાં આવેલી અતિમ નોટિસોને રહેવાસીઓએ હાઈકોર્ટમાં પડકારતાં હાઈકોર્ટે સોમવાર સુધી ડિમોલીશનની કામગીરી નહીં કરવા હુકમ કરેલ છે અને વિશેષ સુનાવણી સોમવારે મુકરર કરી છે.
જંગલેશ્ર્વરના 15 જેટલા રહેવાસીઓએ હાઈકોર્ટમાં રીટ કરી ડિમોલીશન અટકાવવા માંગણી કરી હત.ી જેના પગલે રાજકોટ મામલતદાર અને સરકારને નોટિસ આપી હતી. ગઈકાલે મામલતદાર અને સરકારના વકીલો હાઈકોર્ટમાં હાજર થયા હતાં. જેમાં દલીલો દરમિયાન હાઈકોર્ટે જણાવ્યું હતું કે, કલેકટર દ્વારા આપવામાં આવેલી કલમ 202 હેઠળની નોટિસમાં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું સ્પષ્ટ ઉલ્લંઘન જણાય છે. કલમ 202ની નોટિસ બાદ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ કલેકટર દ્વારા સમય મર્યાદા અપાઈ નહીં હોવાનું તારણ કોર્ટે કાઢયું હતું. આ બાબતે સરકારી વકીલને પુછતાં તેમણે હાઈકોર્ટને જણાવ્યું હતું કે, સરકાર પાસેથી આ મામલામાં હજુ સુચના લેવાની બાકી છે.
જ્યારે રાજકોટનાં મામલતદાર નિલેશ અજમેરા પણ વકીલ સાથે હાજર થયા હતાં અને તેમણે પણ જણાવ્યું હતું કે, અમે ડિમોલિશન અંગે સરકારની સુચના માંગી છે. જેના પગલે હાઈકોર્ટ સોમવાર સુધી કોઈ પગલા નહીં ભરવા હુકમ કરી સોમવારે આ કેસને અગ્રતાના ધોરણે ચલાવવાની સુચના આપી હતી.
રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં તંત્ર દ્વારા આપવામાં આવેલી ડિમોલેશનની નોટિસ બાદ મામલો હવે કાયદાકીય જંગમાં ફેરવાયો છે. અસરગ્રસ્ત રહેવાસીઓએ હાઈકોર્ટના દ્વાર ખખડાવતા આ મામલે મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટે રહેવાસીઓને મોટી રાહત આપતા આગામી 2 ફેબ્રુઆરી સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરવા અને ’યથાવત સ્થિતિ’ જાળવી રાખવા આદેશ કર્યો છે.
સુનાવણી દરમિયાન જસ્ટિસ વૈભવી ડી. નાણાવટીની કોર્ટમાં મામલતદાર અને વહીવટી તંત્ર વતી હાજર રહેલા સરકારી વકીલે દલીલ કરી હતી કે, હાલ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના કઠોર કે પ્રતિકૂળ પગલાં લેવામાં આવ્યા નથી. સરકાર પક્ષે વધુ સૂચનાઓ મેળવવા માટે સમયની માંગણી કરી હતી. દલીલો સાંભળ્યા બાદ હાઈકોર્ટ સોમવાર સુધી ડિમોલીશન નહીં કરવા સુચના આપી છે.
આગામી સુનાવણી એટલે કે 2 ફેબ્રુઆરી, 2026 સુધી અરજદારો સામે કોઈ જ પ્રતિકૂળ પગલા લેવા હુકમ કર્યો છે. સોમવારે આ કેસને લિસ્ટમાં ઉપર રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે જેથી તુરંત નિર્ણય લઈ શકાય.કોર્ટે ’ડાયરેક્ટ સર્વિસ’ ની મંજૂરી આપી છે, જેથી તંત્ર આ આદેશનું ઉલ્લંઘન ન કરી શકે.
એક તરફ હાઈકોર્ટમાં કાનૂની લડાઈ ચાલી રહી છે, તો બીજી તરફ જંગલેશ્વર ડિમોલેશન મુદ્દે રાજકીય માહોલ પણ ગરમાયો છે. આમ આદમી પાર્ટીના હોદેદારો તેમજ કાર્યકરોએ સ્થાનિકો સાથે મળીને આજે કલેક્ટર કચેરી પહોંચીને રજૂઆત કરી હતી. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે, ડિમોલેશન માટે આપવામાં આવેલી નોટિસનો સમયગાળો અત્યંત ટૂંકો છે અને સમયમર્યાદામાં વધારો કરવામાં આવવો જોઈએ. છેલ્લા 50થી 60 વર્ષથી જંગલેશ્વર વિસ્તારમાં વસવાટ કરતા ગરીબ અને મધ્યવર્ગીય પરિવારોને વૈકલ્પિક આવાસ આપ્યા વિના ડિમોલેશન કરવું યોગ્ય નથી. રિવરફ્રન્ટ પ્રોજેક્ટના નામે ગરીબોના ઘર તોડવાને બદલે તેમને 2-ઇઇંઊં ફ્લેટ જેવી પુનર્વસન સુવિધા આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી.
