દરિયામાં શતરંજની રમત કોણ રમી રહ્યું છે ? સાત વારસ પછી આવતાં જહાજનો ભેદી યુ ટર્ન
ઈરાન યુદ્ધ વચ્ચે ક્રૂડ ઓઈલ લઈને આવી રહેલા ઈરાનના જહાજ અંગે એક મોટા સમાચાર સામે આવ્યા છે. હોર્મુઝ પાર ઓળંગતા જ સમુદ્રમાં એક અજીબ ’ખેલ’ થઈ ગયો છે. ભારતમાં 7 વર્ષ બાદ ઈરાનથી તેલ લઈને ગુજરાત તરફ આવી રહેલ એક જહાજે સમુદ્રની વચ્ચે યુ-ટર્ન લઈ લીધો છે. ભારતના ગુજરાત તરફ આવી રહેલું ઈરાની તેલ જહાજે અચાનક પોતાની દિશા બદલી નાખી છે. પહેલા તેની મંજિલ ભારત હતી, પરંતુ હવે તે ચીન તરફ વળ્યું છે. જો આ ઈરાની જહાજ તેલ લઈને ભારત પહોંચ્યું હોત, તો તે લગભગ 7 વર્ષમાં આ પ્રકારનું પહેલું શિપમેન્ટ હોત. પરંતુ અમેરિકા દ્વારા પ્રતિબંધિત આ જહાજ ઈરાની ક્રૂડ ઓઈલ લઈને આવી રહ્યું હતું. તેણે પોતાની દિશા બદલી નાખીને ભારતને બદલે ચીન તરફ વળી ગયું છે. જોકે, આ તેનું ફાઈનલ ડેસ્ટિનેશન નથી.
શિપ ટ્રેકિંગ ફર્મ કેપ્લરના જણાવ્યા પ્રમાણે તેલ લઈને આવી રહેલ આ ઈરાની જહાજનું નામ પિંગ શુન છે. આ અફ્રામેક્સ જહાજ 2002માં બનાવવામાં આવ્યું હતું અને 2025માં અમેરિકા દ્વારા તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પહેલા તે ભારત તરફ આવી રહ્યું હતું. પરંતુ લેટેસ્ટ અપડેટ એ છે કે તેણે સમુદ્રમાં જ પોતાની દિશા બદલી નાખી છે અને હાલમાં તે ચીનના ડોંગયિંગ તરફ જઈ રહ્યું છે. આ અઠવાડિયાની શરૂૂઆતમાં ઈરાની જહાજે સંકેત આપ્યો હતો કે તે ભારતના પશ્ચિમ કિનારે વાડીનાર તરફ જઈ રહ્યું છે, પરંતુ હવે તે દક્ષિણ તરફ વળી ગયું છે. જો કે, આવા ગંતવ્ય સંકેતો અંતિમ નથી હોતા અને તે કોઈપણ સમયે બદલાઈ શકે છે.
નોંધનીય છે કે ભારતે મે 2019થી ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલ નથી ખરીદ્યું. અમેરિકાના પ્રતિબંધોને કારણે ભારતે ઈરાનથી તેલની આયાત બંધ કરી દીધી હતી. જો તેલ લઈને આ ઈરાની જહાજ છેલ્લી ઘડીએ ભારતમાં આવે છે, તો તે 7 વર્ષમાં પહેલી શિપમેન્ટ હશે. જોકે, તે સંભવ પણ છે, કારણ કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને સમુદ્રમાં પહેલાથી જ રહેલા ઈરાની તેલ કાર્ગો માટે કામચલાઉ છૂટ આપી હતી.
પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે ચુકવણી, શિપિંગ અને વીમા સંબંધિત સમસ્યાઓના કારણે આવા સોદામાં મુશ્કેલી આવી શકે છે. આ પહેલા જહાજોની દેખરેખ કરતા ડેટા દર્શાવે છે કે ’પિંગ શુન’ નામના આ જહાજમાં લગભગ 6 લાખ બેરલ ક્રૂડ ઓઈલ છે. કેપ્લર વિશ્ર્લેષક સુમિત રિટોલિયાએ જણાવ્યું હતું કે, ’મે 2019 પછી આ ભારતનું ઈરાની તેલનું પ્રથમ શિપમેન્ટ હોઈ શકે છે. યુએસ સરકારે તાજેતરમાં “સમુદ્રમાં હાજર” ઈરાની તેલને ખરીદવા માટે 30 દિવસની છૂટ આપ્યા પછી જ આ શિપમેન્ટ શક્ય બન્યું છે.’
જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ જહાજમાં રહેલા ક્રૂડ ઓઈલનો ખરીદનાર કોણ છે. શરૂૂઆતમાં આ જહાજનું ગંતવ્ય સ્થાન વાડીનારમાં નાયરા એનર્જીની રિફાઈનરી હતી, પરંતુ હવે આ સમીકરણો બદલાઈ ગયા છે. વાડીનાર બંદર ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (ઇઙઈક) ની બીના રિફાઇનરી અને અન્ય એકમો માટે પણ સપ્લાયનું કેન્દ્ર છે. ભારતે હજુ સુધી ઈરાની ઓઈલ ટેન્કર પર કોઈ ટિપ્પણી કરી નથી.
