રાજકોટમાં હદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ એક માનવ જીંદગી ધબકારા ચુકી ગઈ છે. જેમાં મોરબી રોડ ઉપર આવેલ રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતા નિવૃત એસટી ડ્રાઈવરને હદય રોગના હુમલાથી મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબી રોડ ઉપર આવેલ રાજલક્ષ્મી સોસાયટી એવન્યુ પાર્કમાં રહેતા નિવૃત એસટી ડ્રાઈવર કાંતિભાઈ લીંબાભાઈ ઠેસિયા ઉ.વ.71 પોતાના ઘરે હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપડતા તાત્કાલીક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી વૃદ્ધનું હદય રોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી હતી. બીજા બનાવમાં આકાશદીપ સોસાયટી પાસે આવેલ ઓમનગરમાં રહેતા નયનાબેન સુનિલભાઈ રાંક નામના 45 વર્ષના પ્રૌઢના બિમારી સબબ બેભાન હાલતમાં ઢળી પડતા સારવાર માટે સીવીલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ઉપરોક્ત બન્ને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસહાથ ધરી છે.
