પોલીસે લીંબડી સુધી પીછો કરી આરોપી પકડ્યો
જામનગરનાં અરવિંદ હોસ્પિટલની બાજુમાં રહેતાં નિવૃત્ત પીઆઈ હાઈકોર્ટની મુદતમાં જામનગરથી વડોદરા જતી ઈન્ટરસીટી ટ્રેનમાં અમદાવાદ જતાં હતાં ત્યારે પડધરી-રાજકોટ વચ્ચે ટ્રેનમાં હુમલો કરી મોબાઈલ અને રિવોલ્વર જેવા લાઈટરની લુંટ ચલાવતાં સનસનાટી મચી ગઈ છે. ઈજાગ્રસ્ત નિવૃત્ત પીઆઈને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને લઈને રેલવે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. હુમલાખોર હાઈવે માર્ગે અમદાવાદ તરફ ભાગી ગયા હોવાની માહિતી મળતાં રેલવે પોલીસે તેનો પીછો કર્યો હતો અને લીંબડી પાસેથી હુમલાખોર પંજાબી શખ્સ નિશાંતસિંઘ ગુલજારસિંઘને ઝડપી લીધો હતો. ટ્રેનમાં બીડી પીવા બાબતે નિવૃત્ત પીઆઈ સાથે ઝઘડો થતાં નિવૃત્ત પીઆઈ પાસે હથિયાર હોવાની શંકાએ તે હુમલો કરશે તેવા ડરથી પંજાબી શખ્સે વડતો હુમલો કરી ફાયરનો બાટલો નિવૃત્ત પીઆઈના માથામાં ઝીંકી દીધો હતો.
મળતી વિગતો મુજબ, જામનગરનાં અરવિંદ હોસ્પિટલની પાસે રહેતાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાંથી નિવૃત્ત થયેલા પીઆઈ ધર્મેન્દ્રસિંહ અનોપસિંહ જાડેજા (ઉ.77) અમદાવાદ હાઈકોર્ટમાં મુદત હોય જામનગરથી વડોદરા જતી ઈન્ટરસીટી ટ્રેનમાં સવારે પાંચ વાગ્યે અમદાવાદ જવા નીકળ્યા હતાં. ટ્રેન પડધરી અને રાજકોટ વચ્ચે પહોંચે ત્યારે તેમને ટ્રેનમાં કોઈની સાથે ઝઘડો થતાં તેમના માથામાં ફાયરના બાટલાથી હુમલો કરાયો હતો.
ટ્રેન રાજકોટ રેલવે સ્ટ્રેશને પહોંચી તે પૂર્વે આ હુમલાખોર ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત મળેલા પીઆઈ ધર્મેન્દ્રસિંહને આર.પી.એફ.ના રણજીતસિંહના ધ્યાને આવતાં તેમણે તાત્કાલીક 108ને જાણ કરી હતી અને આ બાબતે રેલવે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. ઈજાગ્રસ્ત ધર્મેન્દ્રસિંહને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. બનાવની જાણ થતાં રેલવેનાં ઈન્ચાર્જ ડીવાયએસપી એચ.એમ.રાણા સાથે પીએસઆઈ જયુભા પરમાર, પીએસઆઈ બળભદ્રસિંહ જાડેજા અને તેમની ટીમે તપાસ કરી મોબાઈલના લોકેશન મેળવતાં હુમલાખોરો હાઈ-વે માર્ગે અમદાવાદ તરફ ભાગી ગયાની માહિતી મળતાં એક ટીમ અમદાવાદ હાઈવે તરફ આરોપીને પકડવા તેની પાછળ રવાના થઈ હતી અને લીંબડી પાસેથી આ હુમલાખોર નિશાંતસિંઘને ઝડપી લેવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં જાણવા મળતી માહિતી મુજબ આ પંજાબી શખ્સ નિશાંતસિંઘ ટ્રેનમાં બીડી પીતો હોય જેને નિવૃત્ત પીઆઈ ધર્મેન્દ્રસિંહએ બીડી પીવાની ના પાડતાં ઝઘડો થયો હતો. નિવૃત્ત પીઆઈએ કમરે રિવોલ્વર જેવું લાઈટર ટીંગાડેલું હોય કવરમાં સાચુ હથિયાર હોય તેવું દેખાતું હોય પંજાબી શખ્સને ધર્મેન્દ્રસિંહ તેના ઉપર હથિયારથી હુમલો કરશે તેવા ડરથી તેણે ટ્રેનમાં રાખેલા ફાયરના બાટલા વડે ધર્મેન્દ્રસિંહ ઉપર હુમલો કર્યો હતો અને ટ્રેન રાજકોટ રેલવે સ્ટેશન નજીક પહોંચી ત્યારે ચાલુ ટ્રેને તે ઉતરી ગયો હતો અને બસમાં બેસી રવાના થયો ત્યારે કંડકટરને શંકા જતાં ગ્રીનલેન્ડ ચોકડીએ તેને ઉતારી મુકયો હતો. આ હુમલાખોરે ગ્રીનલેન્ડ ચોકડીથી એક મોટર સાઈકલ ચાલક પાસે લીફટ લઈ લીંબડી તરફ રવાના થયો હતો. લીંબડી પાસે બાઈક ચાલકે તેને ઉતાર્યો હતો ત્યારે જ રેલવે પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને આ શખ્સને ઝડપી લીધો હતો.
સિવિલમાં સારવાર માટે દોઢ કલાક રઝળાવ્યા, રેલવે અધિકારી-મામલતદાર લાલઘુમ
નિવૃત્ત પીઆઈ ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપર હુમલો થયો હોય ટ્રેનમાં ઈજાગ્રસ્ત મળી આવતાં તેમને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ ઘટના બાદ રેલવેના પોલીસ અધિકારીઓ તેમજ મામલતદાર ડીડી માટે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હોય ત્યારે બનાવ બાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયેલા નિવૃત્ત પીઆઈ ધર્મેન્દ્રસિંહની સવા કલાક સુધી સારવાર કરવામાં આવી ન હોય અને સારવારના નામે તેમને રઝળાવવામાં આવ્યાની બાબત ધ્યાને આવતાં રેલવે પોલીસના અધિકારીઓ અને મામલતદારે ફરજ પરના તબીબને ખખડાવી નાખ્યા હતાં અને આ બાબતે કલેકટરને પણ ફરિયાદ કરવાની તૈયારી બતાવી હતી. મામલતદાર અને રેલવે પોલીસ અધિકારીઓ સમક્ષ બેદરકારી ખુલી પડી હતી. ત્યાં હાજર રેલવેના અધિકારીઓએ નિવૃત્ત પીઆઈને સમયસર સારવાર મળી ન હોય કોઈ અઘીત બનાવ બનશે તો જવાબદારી કોની તે વાત તબીબના ધ્યાને દોરતા અંતે તાત્કાલીક સારવાર કરવામાં આવી હતી. જો કે બાદમાં નિવૃત્ત પીઆઈને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
