જામનગર-વડોદરા ઈન્ટરસીટી ટ્રેનમાં બનેલો બનાવ, ચાર શખ્સોએ માથાકૂટ કરી ફાયરના બાટલાથી હુમલો કર્યો, આરોપીઓને પકડવા પોલીસની દોડધામ
જામનગરનાં અરવિંદ હોસ્પિટલની બાજુમાં રહેતાં નિવૃત્ત જમાદાર હાઈકોર્ટની મુદતમાં જામનગરથી વડોદરા જતી ઈન્ટરસીટી ટ્રેનમાં અમદાવાદ જતાં હતાં ત્યારે પડધરી-રાજકોટ વચ્ચે ટ્રેનમાં ચાર બુકાનીધારી શખ્સોએ હુમલો કરી મોબાઈલની લુંટ ચલાવતાં સનસનાટી મચી ગઈ છે. ઈજાગ્રસ્ત જમાદારને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ ઘટનાને લઈને રેલવે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. લુંટારૂઓ હાઈવે માર્ગે અમદાવાદ તરફ ભાગી ગયા હોવાની માહિતી મળતાં રેલવે પોલીસે તેનો પીછો કર્યો છે. મળતી વિગતો મુજબ, જામનગરનાં અરવિંદ હોસ્પિટલની પાસે રહેતાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાંથી નિવૃત્ત થયેલા જમાદાર ધર્મેન્દ્રસિંહ અનોપસિંહ જાડેજા (ઉ.77) અમદાવાદ હાઈકોર્ટમાં મુદત હોય જામનગરથી વડોદરા જતી ઈન્ટરસીટી ટ્રેનમાં સવારે પાંચ વાગ્યે અમદાવાદ જવા નીકળ્યા હતાં. ટ્રેન પડધરી અને રાજકોટ વચ્ચે પહોંચે ત્યારે ચાર શખ્સોએ તેમની સાથે ઝઘડો કરી ટ્રેનમાં રાખેલા ફાયરના બાટલા વડે હુમલો કરી મોબાઈલની લુંટ ચલાવી હતી.
ટ્રેન રાજકોટ રેલવે સ્ટ્રેશને પહોંચી તે પૂર્વે આ ચારેય શખ્સો ફરાર થઈ ગયા હતાં. ઈજાગ્રસ્ત મળેલા જમાદાર ધર્મેન્દ્રસિંહને આર.પી.એફ.ના રણજીતસિંહના ધ્યાને આવતાં તેમણે તાત્કાલીક 108ને જાણ કરી હતી અને આ બાબતે રેલવે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. ઈજાગ્રસ્ત ધર્મેન્દ્રસિંહને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. બનાવની જાણ થતાં રેલવેનાં ઈન્ચાર્જ ડીવાયએસપી એચ.એમ.રાણા સાથે પીએસઆઈ જયુભા પરમાર અને તેમની ટીમે તપાસ કરી મોબાઈલના લોકેશન મેળવતાં હુમલાખોરો હાઈ-વે માર્ગે અમદાવાદ તરફ ભાગી ગયાની માહિતી મળતાં એક ટીમ અમદાવાદ હાઈવે તરફ લુંટારૂઓને પકડવા તેની પાછળ રવાના થઈ છે. આ બનાવ અંગેની જાણ થતાં નિવૃત્ત એએસઆઈના પરિવારજનો પણ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતાં.
નિવૃત્ત જમાદારના પરવાનાવાળા હથિયારની લુંટ અંગે તપાસ
આ ઘટનામાં નિવૃત જમાદાર ધર્મેન્દ્રસિંહ જાડેજાનું પરવાનાવાળુ હથિયાર પણ આ ચાર શખ્સો લુંટી ગયાની વાત પોલીસ સમક્ષ જાણવા મળી હતી. જો કે આ મામલે હજુ કોઈ સ્પષ્ટતાં થઈ શકી નથી. કારણ કે ધર્મેન્દ્રસિંહનું હથિયાર તેમની પાસે હતું કે પછી જામનગર ખાતે તેમના ઘરે હતું. ઉપરાંત તેમનું હથિયાર અગાઉ પણ ચોરી થયાની વાત સામે આવી રહી છે. પરવાના વાળા હથિયારની લુંટ મામલે હજુ કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી ત્યારે આ અસંમજંશ વચ્ચે જ્યારે આરોપીઓ પકડાશે ત્યારે એ વાત સ્પષ્ટ થશે કે પરવાનાવાળા હથિયારની લુંટ થઈ કે પછી કે માત્ર વાત વહેતી કરવામાં આવી છે. આ ઘટનાને લઈને રેલવે પોલીસે તપાસ શરૂ કરી છે.
