રાજકોટમાં ચીચોડા અંગે કરેલી અરજીનો ખાર રાખી યુવાનની હત્યા

છ શખ્સોએ લાકડી, ધારિયા અને કુહાડીના ઘા ઝીંકયા, કારમાં ઉપાડી જઇ બેફામ માર મારી શીતલપાર્ક નજીક ફેંકી દીધો, પરિવારનો લાશ સ્વીકારવાનો ઇનકાર 150 ફૂટ રિંગ…

છ શખ્સોએ લાકડી, ધારિયા અને કુહાડીના ઘા ઝીંકયા, કારમાં ઉપાડી જઇ બેફામ માર મારી શીતલપાર્ક નજીક ફેંકી દીધો, પરિવારનો લાશ સ્વીકારવાનો ઇનકાર

150 ફૂટ રિંગ રોડ નાણાવટી ચોક નજીક મણિનગરમાં રહેતા ભાવેશ ડાયાભાઈ વાણવી (ઉ.વ.35), તેનો ભત્રીજો પ્રિન્સ સુનિલભાઈ વાણવી અને મિત્ર રાહુલ કાનજીભાઈ પરમાર રામાપીર ચોકડી, શાંતિનગરના ગેઈટ પાસે હતા ત્યારે હમીર જોગરાણા સહિત છ જેટલા શખ્સોએ આવી જૂની માથાકૂટનો ખાર રાખી પાઈપથી જીવલેણ હુમલો કરતાં કાકા-ભત્રીજાને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા પોલીસ કાફલો હોસ્પિટલે દોડી ગયો હતો.ત્યાં ભાવેશનું સારવારમાં મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો અને આ ઘટનાને પગલે હોસ્પિટલે પોલીસ સ્ટાફ દોડી ગયો હતો.

તેમજ પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો.
મળતી વિગતો મુજબ,આ ઘટનામાં મવડીમાં ઉમિયા ચોક નજીક સાંઇ દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા રાહુલ કાનજીભાઈ પરમાર(ઉ.25)ની ફરિયાદ પરથી હમીર જોગરાણા અને તેની સાથેના પાંચ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.જેમાં તેમણે જણાવ્યું હતું કે,તે મેડિકલ લાઇનમાં નોકરી કરે છે.

મિત્ર ભાવેશ વાણવી, તેનો ભત્રીજો પ્રિન્સ અને મિત્ર રાહુલ ત્રણેય રાત્રે રામાપીર ચોકડી પાસે આવેલા શાંતિનગરના ગેઈટ પાસે હતા ત્યારે 10 જેટલા શખ્સોએ આવી, ઝઘડો કરવા લાગ્યા હતા. બાદ ઉશ્કેરાઈને ભાવેશ પર પાઇપથી હુમલો કરતાં માથા તથા હાથના ભાગે ગંભીર ઇજા થઈ હતી. ભત્રીજો અને મિત્ર વચ્ચે પડતાં બંનેને પણ માર મારતાં આ બંને ત્યાંથી ભાગી છૂટયા હતાં.

ત્યારબાદ આ શખ્સોએ ભાવેશને કારમાં ઉઠાવી જઈ નવા 150 ફૂટ રિંગ રોડ ગ્રીન સિટી પાસે છોડી મૂક્યો હતો.દરમિયાન આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તેને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.આ હુમલામાં ભત્રીજા પ્રિન્સને પણ દાખલ કરવામાં આવ્યો હતો. જાણ થતાં ક્રાઈમ બ્રાંચ તથા યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ પટેલ સહિતનો સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઇજાગ્રસ્ત ભાવેશે અગાઉ શાંતિનગરના ગેઇટ પાસે રસનો ચીચોડો ચલાવતા હમીર મેરાભાઈ જોગરાણા સામે રસના ચીચોડા બાબતે કોર્પોરેશનમાં અરજી કરી હતી. આ બાબતે માથાકૂટ ચાલતી હતી.

જે મામલે હમીર જોગરાણા, રવિ જોગરાણા, સાગર જોગરાણા અને ગોપાલ મેરા જોગરાણા, લાલો ઘુઘા સભાડ સહિતના શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો.ઇજાગ્રસ્ત યુવાનને હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમનું સારવારમાં મોત નીપજ્યું હતું.તેમજ આ બનાવ હત્યામાં પલટાયો હતો.યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ રુમે ખસેડવામાં આવતા ત્યાં સંબંધીઓ અને તેમના સમાજના આગેવાનો ત્યાં દોડી ગયા હતા અને આરોપી પકડાયા બાદ જ તેમનો મૃતદેહ સ્વીકારવામાં આવશે તેવું પરિવારજનોએ જણાવ્યું હતું.મૃતક સમય મિરરમાં પત્રકાર હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં જાણવા જાણવા મળ્યું છે.

મૃતક ભાવેશ બે બહેનનો એકનો એક ભાઈ હતો.તેમના બે બહેન શિલ્પાબેન અને તારીકાબેન નામ છે.તેમજ તેમના પત્નીનું નામ દિવ્યાબેન છે તેમજ સંતાનમાં બે પુત્ર લક્ષ(ઉ.7) અને અંશ(ઉ.4) છે.પોતે જમીન મકાનના વ્યવસાય સાથે જોડાયેલો હોવાનું હાલ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

 

મૃતક વિરૂધ્ધ ધમકીના 3 ગુના, એક વખત પાસા થઈ ચૂકયા છે
મૃતક ભાવેશ વાણવી જેઓ સમય મિરર ન્યૂઝ પેપરના પત્રકાર હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.તેમજ અગાઉ તેમનો અને બિલ્ડરનો એક ઓડિયો વાયરલ થયો હતો.તેમજ સાધુવાસવાણી રોડ પર પાર્સલ આપવા મામલે તેમના છાત્રાલયના સંચાલકો સાથે માથાકૂટ પણ કરી હતી.જે મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ ચુકી છે તેમજ પોલીસે ભાવેશને પાસા તળે જેલ હવાલે કર્યો હતો.તે થોડા સમય પહેલા જેલમાંથી છૂટયો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *