ઉદ્યોગ જગતને રાહત, અદાણી ટોટલ ગેસના ભાવમાં રૂા.37નો આંશિક ઘટાડો

વૈશ્વિક સ્તરે ચાલતા ભૌગોલિક તણાવ અને સતત વધતી જતી મોંઘવારી વચ્ચે ઉદ્યોગ જગત માટે રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. અદાણી ગ્રુપ અને ફ્રાન્સની ટોટલ…

વૈશ્વિક સ્તરે ચાલતા ભૌગોલિક તણાવ અને સતત વધતી જતી મોંઘવારી વચ્ચે ઉદ્યોગ જગત માટે રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. અદાણી ગ્રુપ અને ફ્રાન્સની ટોટલ એનર્જીસનું સંયુક્ત સાહસ અદાણી ટોટલ ગેસ લિમિટેડએ વધારાના નેચરલ ગેસની કિંમતોમાં ઘટાડાની જાહેરાત કરી છે. આજે સવારે 6 વાગ્યાથી આ નવા ભાવ લાગુ થઈ ગયા છે.

કંપનીના જણાવ્યા અનુસાર, જે ગેસ થોડા દિવસો પહેલા સુધી અંદાજે રૂ.120માં મળી રહ્યો હતો, તેની કિંમત હવે સીધી રૂ.83ની આસપાસ આવી જશે. ખાસ કરીને મોટી ફેક્ટરીઓ અને ઔદ્યોગિક એકમો કે જેઓ તેમની નિર્ધારિત મર્યાદા કરતા વધુ ગેસ વાપરે છે, તેમને આનો સીધો ફાયદો મળશે. અગાઉ વધારાના વપરાશ માટે ફેક્ટરીઓએ રૂ.119.90 પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર ચૂકવવા પડતા હતા, જે હવે ઘટાડીને રૂૂ. 82.95 કરી દેવામાં આવ્યા છે. પ્રતિ SCM આશરે ₹37નો આ ઘટાડો એવા ઉદ્યોગો માટે જીવનરેખા છે જેમનું સમગ્ર ઉત્પાદન ચક્ર કુદરતી ગેસ પર આધાર રાખે છે.

અગાઉ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ના જળમાર્ગ પર સર્જાયેલા અવરોધોને કારણે લિક્વિફાઇડ નેચરલ ગેસની સપ્લાય ચેઈન ખોરવાઈ હતી. આ સંકટને પહોંચી વળવા કંપનીએ ગ્રાહકોને તેમની નિર્ધારિત મર્યાદાના માત્ર 40% ગેસનો જ ઉપયોગ કરવા સૂચના આપી હતી. આ મર્યાદાથી વધુ વપરાશ કરનારાઓ પર મોંઘો સ્પોટ રેટ વસૂલવામાં આવતો હતો.

જોકે, હવે આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવમાં નરમી આવતા કંપનીએ આ લાભ ગ્રાહકો સુધી પહોંચાડવાનું નક્કી કર્યું છે. ઉત્પાદન ક્ષેત્રે જે ઉદ્યોગો સંપૂર્ણપણે કુદરતી ગેસ પર નિર્ભર છે, તેમના માટે પ્રતિ SCM રૂૂ. 37નો આ ઘટાડો સંજીવની સમાન સાબિત થશે. અદાણી ગેસ મેનેજમેન્ટના મતે, આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય હાલના સપ્લાય સંકટ વચ્ચે સિસ્ટમને સ્થિર રાખવાનો અને ઔદ્યોગિક ગ્રાહકોને આર્થિક ટેકો આપવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *