ભાયાવદરમાં ભાજપ નેતાના ઘરમાં ચાલતા જુગારધામ પર દરોડો, છ જુગારીઓ ઝડપાયા

રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા જુગારના દૂષણને નાબૂદ કરવા અપાયેલી સૂચનાના પગલે ભાયાવદર પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ઉપલેટા તાલુકાના ભાયાવદર ટાઉન વિસ્તારમાં આવેલા મયુરનગરમાં નગરપાલિકાના…

રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા જુગારના દૂષણને નાબૂદ કરવા અપાયેલી સૂચનાના પગલે ભાયાવદર પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ઉપલેટા તાલુકાના ભાયાવદર ટાઉન વિસ્તારમાં આવેલા મયુરનગરમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાન કારોબારી ચેરમેન માયાબેન વાછાણીના પતિ અતુલ વાછાણીના રહેણાંક મકાન પર પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે જુગારધામનો પર્દાફાશ કરી કુલ 6 શખ્સોને રૂૂ. 2.47 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

ભાયાવદર પોલીસે નોંધેલી ફરિયાદ મુજબ, 24 ડિસેમ્બરની રાત્રિના સમયે પોલીસે વોરંટ સાથે અતુલ વાછાણીના ઘરે રેડ કરી હતી. તપાસ દરમિયાન ઝડપાયેલા વ્યક્તિઓ પ્લાસ્ટિકના ટોકન અને ગંજીપત્તા વડે ’તેરપત્તી સીકીડીકી’ (રમી) નામનો જુગાર રમતા રંગેહાથ ઝડપાયા હતા. પોલીસે રોકડ રકમ રૂૂ. 1,04,510 /-, 6 મોબાઈલ ફોન (કિંમત રૂૂ. 40,000 /-) અને 4 મોટરસાયકલ (કિંમત રૂૂ. 1,30,000 /-) સહિત કુલ રૂૂ. 2,74,510 /- નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે કુલ છ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કર્યો છે. જેમાં ભાયાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અતુલ વાછાણી (મુખ્ય સંચાલક), ચંદ્રેશ વાછાણી, દીનેશ કનેરીયા, હીરેન માકડીયા અને જયેશ ભાલોડીયાનો સમાવેશ થાય છે. અન્ય એક સિનિયર સિટીઝન કીશોર માકડીયાને નોટિસ આપી છોડવામાં આવ્યા છે, જ્યારે અન્ય પાંચ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, અતુલભાઇ વાછાણી વર્ષ 2008માં ભાયાવદર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેડ પર ચૂંટણી લડ્યા હતા અને બહુજન સમાજ પાર્ટી (બ.સ.પા.) સરકારને સમર્થન આપીને સરકાર બનાવી હતી. ત્યારથી તેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકેની છાપ ધરાવે છે. ભાયાવદર પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.સી. પરમાર તથા એ.એસ.આઈ. રોહિત વાઢેળ સહિતના સ્ટાફ દ્વારા આ સફળ કામગીરી કરવામાં આવી હતી. આ કેસની વધુ તપાસ એ.એસ.આઈ. રોહિત વાઢેળ ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *