ધર્મ બાબતે થયેલી બોલાચાલી અને રાજકીય અદાવતમાં માર માર્યાનો આરોપ
વાંકાનેરના તિર્થવા ગામના ભાજપ બુથ પ્રમુખ અને વાંકાનેરમાં એગ્રોની દુકાન ધરાવતાં ભાજપ અગ્રણી પોતાની કાર લઈને વાંકાનેરથી તીર્થવા ગામે આવતાં હતાં ત્યારે રાજવડલા રોડ પર વાંકાનેર યાર્ડના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસ અગ્રણી સહિતના શખ્સોએ ભાજપ અગ્રણીની કારને આંતરી ધોકા વડે માર માર્યો હતો.
ધર્મ બાબતે થયેલી બોલાચાલી અને રાજકીય અદાવતમાં હુમલો થયાના આક્ષેપ સાથે આધેડને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. ઘટનાને પગલે સિવિલ હોસ્પિટલ ખાતે ભાજપ અગ્રણીઓ દોડી ગયા હતાં અને આ ઘટના અંગે પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, વાંકાનેરના તીર્થવા ગામે રહેતાં હુસેનભાઈ ઈબ્રાહીમભાઈ ગઢવાળા નામના 50 વર્ષના આધેડ સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં વાંકાનેર રાજવડલા રોડ પર હતાં ત્યારે સકીલ પીરઝાદા સહિતના શખ્સોએ ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા હુસેનભાઈ ગઢવાળા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. આ ઘટના અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતાં વાંકાનેર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે હોસ્પિટલના બીછાને સારવાર લઈ રહેલા હુસેનભાઈ ગઢવાળાનું નિવેદન નોંધ્યું હતું.
પ્રાથમિક પુછપરછમાં હુસેનભાઈ ગઢવાળા વાંકાનેરમાં એગ્રોની દુકાન ચલાવે છે અને તીર્થવા ગામ ભાજપના બુથ પ્રમુખ છે. જ્યારે હુમલાખોર સકીલ પીરઝાદા વાંકાનેર યાર્ડના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસ અગ્રણી છે. ધર્મ બાબતે થયેલી બોલાચાલી અને રાજકીય અદાવતનો ખાર રાખી કોંગ્રેસ અગ્રણી સકીલ પીરઝાદા સહિતના શખ્સોએ હુસેનભાઈ ગઢવાળાની કારને આંતરી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તીર્થવા ગામના ભાજપ બુથ પ્રમુખ ઉપર કોંગ્રેસ અગ્રણી સહિતના શખ્સોએ હુમલો કર્યો હોવાની જાણ થતાં જ ચકચાર મચી જવા પામી હતી અને ભાજપ આગેવાનો રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા હુસેનભાઈ ગઢવાળાના ખબર અંતર પુછવા દોડી આવ્યા હતાં. ભાજપ આગેવાનોની સલાહ સુચન બાબદ હુમલાખોર કોંગ્રેસ અગ્રણી સહિતના શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધવામાં આવશે તેવું ઈજા ગ્રસ્ત ભાજપ અગ્રણી હુસેનભાઈ ગઢવાળાએ જણાવ્યું છે. આક્ષેપને પગલે વાંકાનેર તાલુકા પોલીસે તપાસનો દૌર લંબાવ્યો છે.
