ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આવેલ વિધાનસભામાં પુછવામાં આવેલ પ્રશ્ર્નની ચોંકાવનારી વિગતો
ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં મહિલાઓ અને બાળકોની સુરક્ષા અંગે ધારાસભ્ય એ દ્વારા વિધાનસભામાં પ્રશ્ર્ન પુછવામાં આવતા તા.31/12/2025 ની સ્થિતિએ ગીર સોમનાથ માં 1 અને જૂનાગઢ માં 7 મહિલાઓને શોધવાની બાકી છે. આ અંગે સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા જણાવેલ કે, વિધાનસભામાં ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં ગુમ થયેલ મહિલાઓ અને બાળકોની ગંભીર સ્થિતિ અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. સરકાર દ્વારા આપવામાં આવેલ લેખિત જવાબમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. સરકારી આંકડાઓ મુજબ છેલ્લા બે વર્ષમાં (2024-2025) બંને જિલ્લાઓમાં મહિલાઓ અને બાળકો ગુમ થવાની ઘટનામાં વધારો નોંધાયો છે. જૂનાગઢ શહેરની ગંભીર સ્થિતિ: જૂનાગઢમાં વર્ષ 2024 માં 25 મહિલાઓ ગુમ થઈ હતી, જે આંકડો વર્ષ 2025માં વધીને 33 પર પહોંચ્યો છે. ગીર સોમનાથ જીલ્લામાં વેરાવળ તાલુકામાં 2024 માં 2 મહિલાઓ સામે 2025 માં 4 મહિલાઓ ગુમ થવાની ફરિયાદ નોંધાઈ છે.
શોધવાના બાકી કિસ્સામાં તા.31/12/2025 ની સ્થિતિએ હજુ પણ ગીર સોમનાથમાં 1 અને જૂનાગઢમાં 7 મહિલાઓને શોધવાની બાકી છે. આ અંગે ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા એ સરકારની તપાસ પદ્ધતિ સામે સવાલો ઉઠાવતા જણાવ્યું કે, (1) સરકાર માત્ર સી.આઈ.ડી. ક્રાઈમની સ્પેશિયલ ડ્રાઈવ અને પોર્ટલ પર ડેટા અપલોડ કરવા જેવા કાગળ પરના દાવાઓ કરી રહી છે. (2) જો ટેકનિકલ રિસોર્સિસ અને સી.ડી.આર. (CDR) તપાસ કરવામાં આવતી હોય, તો ગુમ થવાના કિસ્સા ઘટવાને બદલે વધી કેમ રહ્યા છે?. (3) શું પોલીસ તંત્ર માત્ર ફરિયાદ નોંધવામાં જ વ્યસ્ત છે? વાસ્તવિક પરિણામ કેમ મળતા નથી? અને સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે, “આ કોઈ આંકડાની રમત નથી, પરંતુ અનેક પરિવારોની દીકરી અને બાળકોના જીવ નો સવાલ છે. આગામી દિવસોમાં તંત્ર દ્વારા સઘન તપાસ કરી બાકી રહેલી મહિલાઓ ને શોધી કાઢવામાં આવે તે પ્રશ્ન વિધાનસભા ઉઠાવ્યો હોવાનું એક યાદીમાં જણાવેલ છે.
