ગેલેકસી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલ બહાર બનેલી ચોંકાવનારી ઘટના
તારામાં બહુ દમ છે? કહી છરીના ઝા ઝીંકી દીધા, બોર્ડનું પેપર પણ આપી શકયો નહીં
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં અમદાવાદની સેવન્થ ડે સ્કુલ જેવી ઘટના સામે આવી છે, જેમાં નજીવી બાબતની અદાવતમાં ચાર સગીરોએ ધોરણ 10માં ભણતા એક વિદ્યાર્થી પર શાળાના ગેટ પાસે જ ચાર જેટલા છાત્રોએ ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો હતો. ભોગ બનનાર વિદ્યાર્થી પોતાની માતા સાથે બહેનના સ્કૂલ ફંક્શનમાં ગયો હતો, ત્યારે બદલાની ભાવના રાખીને બેઠેલા અન્ય વિદ્યાર્થીઓએ તેના પર તીક્ષ્ણ હથિયારના ત્રણ ઘા ઝીંકી દીધા હતાં.ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીની સર્જરી કરવામાં આવી છે. આ હુમલાને કારણે તે આજે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પેપર આપી શક્યો નથી, જેના કારણે તેનું વર્ષ બગડવાની ભીતિ સેવાઈ રહી છે. પોલીસે ઘટનાની ગંભીરતા ધ્યાને લઇ તાત્કાલીક ચારેય હુમલાખોરોને ઝડપી લીધા છે અને પુછપરછ શરૂ કરી છે.
ઘટનાની જાણવા મળતી વિગતો મુજબ ગત રાતે સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં સામાન્ય બોલાચાલીની અદાવત રાખીને એક વિદ્યાર્થી પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી છે. કર્મયોગી સોસાયટી પાસે આવેલી ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલ ગેટની બહાર ઘટનામાં ચાર વિદ્યાર્થીઓ ભેગા મળીને એક વિદ્યાર્થીને આંતરીને માર માર્યો હતો અને ત્યારબાદ ચપ્પુ વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી.
મળતી માહિતી મુજબ, ભોગ બનનાર વિદ્યાર્થી જ્યારે શાળાએથી છૂટીને ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે અન્ય વિદ્યાર્થીઓ સાથે અગાઉ થયેલી બોલાચાલીનું મનદુ:ખ રાખીને તેને રસ્તામાં રોકવામાં આવ્યો હતો. આરોપીઓએ ઉશ્કેરાઈને વિદ્યાર્થી સાથે ઝઘડો શરૂૂ કર્યો હતો અને “તારામાં બહુ દમ છે” તેમ કહી અપશબ્દો બોલી મારપીટ કરી હતી. આ દરમિયાન એક વિદ્યાર્થીએ ચપ્પુ કાઢી પીઠ અને પેટના ભાગે ઘા ઝીંક્યા હતા, જેના કારણે ઇજાગ્રસ્ત વિદ્યાર્થી લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો.
જયારે હુમલો કર્યા બાદ તમામ હુમલાખોર વિદ્યાર્થીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં પોલીસ દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે.
ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ કૃણાલ શાહે જણાવ્યું હતું કે, શાળામાં વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માત્ર ભાગ લેનાર બાળકો અને તેમના વાલીઓને જ આમંત્રણ હતું. હુમલાખોર છાત્રો અન્ય શાળાના વિદ્યાર્થીઓ છે.
પ્રિન્સિપાલ શાહે વધુમાં ઉમેર્યું કે, ઈજાગ્રસ્ત વિદ્યાર્થી અને હુમલાખોરો વચ્ચે કોઈ જૂની અદાવત કે મેટર હોઈ શકે છે, જેની શાળા પ્રશાસનને અગાઉથી કોઈ જાણ નહોતી. કાર્યક્રમ દરમિયાન સુરક્ષા માટે સિક્યુરિટી તૈનાત હતી જ, પરંતુ આ સમગ્ર બનાવ સ્કૂલ પ્રિમાઈસીસની બહાર બન્યો હોવાથી શરૂૂઆતમાં કોઈને ખ્યાલ આવ્યો ન હતો. રાત્રે 9:30થી 10:00 વાગ્યાના અરસામાં આ ગંભીર ઘટનાની જાણ થતા અરેરાટી વ્યાપી ગઈ હતી.
ઓનલાઇન સાઇટ પરથી ચપ્પુ મંગાવ્યા: છાત્રના પિતાનો આરોપ
આ ઘટનામાં ઇજાગ્રસ્ત વિદ્યાર્થીના પિતાએ અત્યંત ગંભીર અને ચોંકાવનારો આરોપ લગાવ્યો છે. પિતાના જણાવ્યા અનુસાર, હુમલો કરનાર સગીરોએ ગુનાહિત માનસિકતા સાથે ઓનલાઇન સાઇટ પરથી ચપ્પુ મંગાવ્યા હતાં. પિતાએ આક્ષેપ કર્યો છે કે, ડિજિટલ પ્લેટફોર્મ પર હથિયારો સરળતાથી ઉપલબ્ધ હોવાને કારણે સગીરોમાં હિંસાનું પ્રમાણ વધી રહ્યું છે. અગાઉ થયેલી સામાન્ય ટક્કર બાદ જ્યારે વિદ્યાર્થીએ ટકોર કરી હતી, ત્યારે તેનો ખાર રાખીને આ સગીરોએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂૂપે ઓનલાઇન હથિયાર વસાવી આ હુમલાને અંજામ આપ્યો હોવાનું પિતાનું કહેવું છે.
