સુરતમાં નાસીરનગરમાં થયેલા ભૂતિયા ડિમોલિશન પ્રકરણમાં સુરત મહાનગરપાલિકાની કાનૂની મુશ્કેલીઓ વધુ ઘેરાતી હોય એવું ચિત્ર ઉપસી આવ્યું છે.હાઈકોર્ટમાં ચાલી રહેલા આ ડિમોલિશનના કેસમાં મનપા તરફથી હાજર થતા રાજ્યના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કેસમાંથી હટી જવાની જાણ કરી હોવાનું સામે આવ્યું છે.બીજી તરફ મનપા કમિશ્નરની બદલી બાદ નવા કમિશનર તરીકે રાજકુમાર બેનિવાલે ચાર્જ સંભાળી લીધો છે.
નાસીરનગરના અસરગ્રસ્ત પરિવારો દ્વારા દાખલ કરવામાં આવેલી પિટિશન ઉપરાંત સમગ્ર પ્રકરણમાં મનપાના સસ્પેન્ડેડ કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિના સસ્પેન્શનને પડકારતી અરજીમાં પણ એડવોકેટ જનરલ ત્રિવેદી મનપાની તરફણમાં રજૂ થતા હતા. જોકે,પાલિકાના અધિકારીઓની ખો ખોની રમત, એફિડેવિટ માટે જરૂૂરી માહિતી, પુરાવા રજૂ કરવા મુદ્દે બેપરવા વલણ સહિતનાં કારણોને લીધે થોડા સમય પહેલાં જ એડવોકેટ જનરલે કેસમાંથી ખસી જવાનો સંકેત આપ્યો હોવાની ચર્ચા ચાલી હતી.
જેમાં હવે તેઓ દ્વારા મનપા તંત્રને જાણ કરી દેવાઈ હોવાનું જાણવા મળ્યું છે. બંને મહત્ત્વના કેસ વચ્ચે એડવોકેટ જનરલના ખસી જવાના નિર્ણયથી હવે મનપાના વહીવટી તંત્રને નવા કાનૂની સલાહકારની વ્યવસ્થા કરવાની કવાયત શરૂૂ કરવી પડી છે. નાસીરનગર ડિમોલિશન મામલે અગાઉથી જ હાઈકોર્ટની કાર્યવાહી અને મનપાની કામગીરીને લઈને તંત્ર પર દબાણ છે ત્યારે હવે મનપાએ કાનૂની મોરચે નવી ગોઠવણ કરવાની ફરજ પડી છે.
2004 બેચના આઈએએસ અધિકારી રાજકુમાર બેનીવાલે સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકે સોમવારે પદભાર સંભાળ્યો છે.ચાર્જ સંભાળવાની સાથે જ કમિશનરે વિવાદિત નાસીરનગર પ્રકરણનો ચિતાર મેળવ્યો હતો. કમિશનર બેનીવાલે ડેપ્યુટી કમિશનર નિધિ સીવાચ, ધર્મેશ મિસ્ત્રી અને મનીષ ડોક્ટર સાથે સમગ્ર કાનૂની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. વધુમાં, કમિશનર બેનીવાલ વિવાદમાં નિમાયેલી ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિના પણ સભ્ય છે.
