રાજકોટ શહેરના કણકોટ રોડ વિસ્તારમાં આવેલી સરદારધામની નવી બાંધકામ સાઇટ પર એક ચકચારી ઘટના બની છે.અહીં રોજમદાર તરીકે મજૂરી કામ કરતા પરિવારમાં પત્ની પાસે વાપરવાના પૈસા માંગવા બાબતે થયેલા ઝઘડાએ ગંભીર સ્વરૂૂપ ધારણ કર્યું હતું, જેમાં ઉશ્કેરાયેલા સગીર પુત્રએ પોતાના જ પિતાનું ગળું ટૂંપીને નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખી હોવાની વિગતો બહાર આવી છે.આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે અને પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર, મૂળ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના રાણાપુર તાલુકાના ટીકડી ગામના વતની અને હાલ રાજકોટમાં કણકોટ રોડ પર એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજની સામે સરદારધામ બાંધકામ સાઇટની ઓરડીમાં રહેતા નાનીબેન ભારતસિંગ ડામોર(ઉ.40) મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે. ગત 5 ઓગસ્ટ ના રોજ બપોરના સુમારે નાનીબેન અને તેમનો સગીર પુત્ર ઓરડી પર હાજર હતા, તે દરમિયાન નાનીબેનના પતિ ભારતસિંગ ધનાસિંગ ડામોર ત્યાં આવ્યા હતા અને નાનીબેન પાસે વાપરવાના પૈસાની માગણી કરી બોલાચાલી અને ઝઘડો શરૂૂ કર્યો હતો. ઝઘડો વધી જતાં માથાકૂટ અને હાથાપાઈ સુધી વાત પહોંચી હતી.
પોતાની માતા સાથે પિતાને ઝઘડો કરતા જોઈને પુત્ર વચ્ચે બચાવ કરવા માટે પડ્યો હતો. દરમિયાન, આવેશમાં આવી ગયેલા પુત્રએ ઓરડીમાં જ પડેલા કાપડના લાંબા ટુકડા અને દોરી વડે પોતાના જ પિતા ભારતસિંગના ગળાના ભાગે ફાંસો આપી દીધો હતો, જેના કારણે ભારતસિંગ બેભાન થઈને જમીન પર પટકાઈ ગયા હતા. આ ઘટના બાદ પુત્ર ગભરાઈને ઓરડીમાંથી બહાર નીકળી ગયો હતો. આસપાસના લોકો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા સ્ટાફ અને તબીબો સ્થળ પર દોડી આવ્યા હતા, પરંતુ તપાસ કરતા ભારતસિંગ મૃત જાહેર થયા હતા. આ સમગ્ર ઘટના અંગે મૃતકની પત્ની નાનીબેન ડામોરે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં પોતાના જ સગીર પુત્ર વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી આરોપીની અટકાયત કરી છે.
આ ગંભીર બનાવની જાણ થતાં જ રાજકોટ તાલુકા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર એસ.આર. મેઘાણી,પીએસઆઇ બી.આર.ભરવાડ અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે. ફરિયાદી માતા નાનીબેનની સત્તાવાર ફરિયાદના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 103(1) મુજબ હત્યાનો ગુનો નોંધી આરોપી વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.મૃતક દારૂૂના નશામાં જ પત્ની સાથે ઝઘડો કરતો હોવાની સ્થાનિકોમાં ચર્ચા થઈ રહી હતી.
વતનમાં રહેતો મૃતક ગઈકાલે જ આવ્યો ને ઢીમ ઢાળી દીધું
પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ હત્યાનો ભોગ બનનાર ભરતસિંગ મૂળ મધ્યપ્રદેશના જંબુઆ જિલ્લાનો વતની છે. તેને સંતાનમાં ત્રણ પુત્રી અને બે પુત્ર છે. તે ત્રણ પુત્રી અને પુત્ર સહિતના પરિવાર સાથે વતનમાં રહી ખેતી કામ કરતો હતો. તેનો મોટો પુત્ર માતા નાનીબેન સાથે છેલ્લા ઘણા સમયથી સરદારધામની સાઈટ ઉપર મજૂરી કામ કરતો હતો. માતા-પુત્ર સાઈટની બાજુમાં જ આવેલી ઓરડીમાં રહે છે. બંનેનો પગાર દર મહિનાની દસમી તારીખે થતો હતો.પગાર થાય તે પહેલા ભરતસિંગ તેમની પાસે આવતો હતો. થોડા દિવસ રોકાઈ પગારની રકમ લઈ ફરીથી વતન જતો રહેતો હતો. 15 દિવસ પહેલા પણ તે આવી જતો રહ્યો હતો.કાલે સવારે પગાર લેવા ફરીથી આવ્યો હતો. આવ્યા બાદ તેને પગારની રકમ બાબતે સવારે જ પત્ની નાનીબેન સાથે માથાકૂટ થતાં તેને મારકૂટ કરી હતી.
