લાંબી ઇંતેજારી બાદ જામજોધપુર પંથકમાં આગમન કરેલા મેઘરાજાએ જાણે ટી-20ની જેમ સટાસટી બોલાવી હોય તેમ માત્ર પાંચ કલાકમાં જ સાત ઇંચ વરસાદ પડી જતા સમગ્ર પંથક તરબતર થઇ ગયો છે. સચરાચર મેઘમહેરથી ધરતીપુત્રોના ચહેરા પર ખુશીના ઘોડાપુર ઉમટયા છે. માત્ર પ્રથમ વરસાદમાં જ નદી નાળા બે કાંઠે વહેવા લાગ્યા છે. ચેકડેમમાં ધસમસતા પાણી ઉછળવા લાગ્યા છે. પ્રથમ સારા એવા વાવણીલાયક વરસાદથી સમગ્ર પંથકમાં અન્નદાતાઓ ખેતીકામમાં લાગી ગયા છે.
જામનગર જિલ્લાના જામજોધપુર ટાઉન તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. બપોરે અંદાજે 2:00 વાગ્યાથી સાંજે 7:00 વાગ્યા સુધીના માત્ર પાંચ કલાકના સમયગાળામાં આશરે સાત ઇંચ વરસાદ નોંધાતા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયા હતા. મુશળધાર વરસાદને કારણે રસ્તાઓ, નીચાણવાળા વિસ્તારો તેમજ ખેતરોમાં પાણી ફરી વળતાં જનજીવન પર અસર જોવા મળી હતી. વરસાદી પાણીના જોરદાર પ્રવાહમાં એક રિક્ષા-છકડો, જેમાં કોઈ ચાલક કે સવાર હાજર ન હતા, તે આપમેળે વહેતો જોવા મળ્યો હતો. આ દૃશ્ય ત્યાં હાજર લોકોએ પોતાના મોબાઇલમાં કેદ કર્યું હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.
સમગ્ર જામનગર જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકથી મેઘમહેર વરસી રહી છે. જેમાં જામજોધપુર પંથકમાં મેઘરાજાએ અપાર કૃપા વરસાવી છે. જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં 4 થી 7 ઇંચ વરસાદ માત્ર એ કજ દિવસમાં પડી ગયો છે. ‘દેર સે આયે પર દુરસ્ત આયે’ની જેમ સમગ્ર જામજોધપુર તાલુકાને મેઘરાજાએ ભીંજવી દીધો છે. આજે પણ સવારથી આકાશ ગોરંભાયેલું છે. હળવાથી ભારે ઝાપટા વરસવાનું ચાલુ છે.
ઉમિયાસાગર ડેમ ઓવરફલો, વેણુ નદીમાં પૂર
જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં ગુરુવારે પડેલા ધોધમાર વરસાદના પગલે સમગ્ર વિસ્તારમાં નદી-નાળાઓમાં ભારે પૂર આવ્યું હતું. ભારે વરસાદના કારણે જામજોધપુરની વેણુ નદી બે કાંઠે વહેતી થઈ હતી, જ્યારે ઉમિયા સાગર ડેમમાં પણ મોટા પ્રમાણમાં પાણીની આવક નોંધાઈ હતી.
સતત થઈ રહેલી પાણીની આવકને પગલે ઉમિયા સાગર ડેમ ઝડપથી ભરાઈ જતાં ડેમની જળસપાટી જાળવવા માટે સિંચાઈ વિભાગ દ્વારા તાત્કાલિક પાંચ દરવાજા ખોલી દેવામાં આવ્યા હતા. દરવાજા ખોલતાં ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી પહોંચવાની શક્યતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા નદીકાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા તેમજ સલામત સ્થળે રહેવા માટે સૂચના આપવામાં આવી છે. જામજોધપુર પંથકમાં ચોમાસાના પ્રથમ જ ભારે વરસાદમાં ઉમિયા સાગર ડેમ છલકાઈ જતાં સમગ્ર વિસ્તારમાં ખુશીની સાથે સાવચેતીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. હાલ પણ ડેમમાં પાણીની સતત આવક ચાલુ હોવાથી પરિસ્થિતિ પર તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.
ખરાવાડમાં બે બાળકો તણાયા, નજીકમાં ઉભેલા યુવાનોએ જીવ બચાવ્યો
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં આજે પડેલા ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. બપોરે અંદાજે 2:00 વાગ્યાથી સાંજે 7:00 વાગ્યા સુધી પડેલા ભારે વરસાદને કારણે ખરાવાડ વિસ્તારમાં પાણીનો જોરદાર પ્રવાહ વહેતો થયો હતો. આ દરમિયાન પાણીના ધસમસતા પ્રવાહમાં બે બાળકો તણાઈ જતાં સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, નજીકમાં હાજર રહેલા બે સ્થાનિક યુવાનોએ સમયસૂચકતા અને બહાદુરી દાખવી જીવના જોખમે પાણીમાં ઝંપલાવી બંને બાળકોને એક પછી એક સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હતા. સમયસર કરાયેલા બચાવ કામગીરીના કારણે બંને બાળકોનો આબાદ બચાવ થયો હતો. સમગ્ર ઘટના નજીકમાં લગાવવામાં આવેલા કેમેરામાં કેદ થઈ હતી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં બંને યુવાનોની બહાદુરીની સ્થાનિકો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે. ભારે વરસાદ દરમિયાન પાણી ભરાયેલા અથવા પાણીના તેજ પ્રવાહવાળા વિસ્તારોમાં બાળકોને એકલા ન જવા દેવા તેમજ નાગરિકોએ ખાસ સાવચેતી રાખવા તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે.
