શહેરના 150 ફુટ રીંગ રોડ સરદારનગરમાંથી ક્રાઈમ બ્રાંચે દરોડો પાડી માસ્ટર આઈડી મારફત જુગાર રમાડતાં ભાયાવદરનાં શખ્સને ઝડપી લીધો હતો. આરોપી માસ્ટર આઈડીમાંથી અલગ અલગ સાદી આઈડી બનાવી ગ્રાહકોને વેચી સટ્ટો રમાડતો હોવાનું ખુલતાં પોલીસે માસ્ટર આઈડી કોની પાસેથી લીધી અને કોને કોને આઈડી વેચતો હતો ? તે અંગે પુછપરછ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, ક્રાઈમ બ્રાંચના એએસઆઈ અનિલ સોનારા, હેડ કોન્સ્ટેબલ કનકસિંહ સોલંકી, કોન્સ્ટેબલ રાજેશ ચાવડા, હરપાલસિંહ જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન 150 ફુટ રીંગ રોડ પર સરદારનગર મેઈન રોડ પાસે લેઉવા પટેલ બોર્ડિંગ સામે બીરજુ માકડીયા નામનો શખ્સ ઓનલાઈન આઈડીનો જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે પોલીસે દોડી જઈ બીરજુ સુરેશભાઈ માકડીયા (રહે.ભાયાવદર)ને ઝડપી લઈ તેની પાસે રહેલા મોબાઈલની તપાસ કરતાં તેમાં ગુગલ હિસ્ટ્રીમાં એડમીન ડોટ આર.ત્રીપલ સેવન અને મેચ બોકસ ત્રિપલ સેવન ડોટ કોમ નામની બે માસ્ટર આઈડી ખુલી હોય જે બન્ને માસ્ટર આઈડી મારફત સાદી આઈડીઓ બનાવી ગ્રાહકોને વેચી જુગાર રમાડતો હોવાનું ખુલવા પામતાં પોલીસે તેની ધરપકડ કરી હતી.
આરોપીએ આ બન્ને માસ્ટર આઈડી કોની પાસેથી લીધી ? અને આ આઈડીઓમાંથી સાદી આઈડી બનાવી કોને કોને વેચતો હતો ? તે અંગે ક્રાઈમ બ્રાંચે આરોપીની પુછપરછ હાથ ધરી છે.
