રાજકોટ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર શાપરમાં રહેતા પરપ્રાંતીય શ્રમિકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપીને નિર્મમ હત્યા કરવામાં આવતાં ચકચાર મચી ગઈ છે.
મૂળ બિહારના પટના જિલ્લાના હેમતપુર ગામના વતની અને હાલ શાપરના રામદેવનગર મફતિયાપરામાં રહેતા 34 વર્ષીય અંજુકુમારીએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ, તેમના પતિ કમલેશકુમાર ભીમાભાઈ રામ (ઉં.વ.36) છૂટક મજૂરીકામ કરતા હતા. ગત 28 ઓગસ્ટની સાંજે આશરે સાતેક વાગ્યે કમલેશકુમાર મજૂરીકામ પૂરું કરીને ઓરડીએ આવ્યા હતા. ત્યારબાદ પત્ની પાસેથી પૈસા લઈને હું મટન લેવા જાઉં છું’ તેમ કહીને નીકળ્યા હતા.
મોડી રાત સુધી કમલેશકુમાર પરત ન ફરતાં પત્નીએ આસપાસના વિસ્તારમાં શોધખોળ શરૂૂ કરી હતી, પરંતુ કોઈ ભાળ મળી નહોતી. બીજા દિવસે સવારે નવેક વાગ્યે તપાસ દરમિયાન રામદેવનગર તળાવના કાંઠે એક અવાવરુ જગ્યામાં લોહીથી લથપથ હાલતમાં એક પુરુષની લાશ પડી હોવાની જાણ થઈ હતી. પત્નીએ ઘટનાસ્થળે જઈને જોતાં આ લાશ તેમના પતિ કમલેશકુમારની હોવાનું સામે આવ્યું હતું. બનાવની જાણ થતાં જ શાપર (વેરાવળ) પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો. પીએમ કરનાર તબીબના જણાવ્યા મુજબ, ગળાના ભાગે ધારદાર વસ્તુના ઘા મારવાના કારણે મોત નીપજ્યું હતું.
શાપર પીઆઈ રવિરાજસિંહ રાણાએ જણાવ્યું હતું કે, આ હત્યાની ઘટના સોમવારે રાત્રે 7થી મંગળવારે સવારે 9 વાગ્યા દરમિયાન બની હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જોકે હત્યાનો ચોક્કસ સમય પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે. બીજું, જે જગ્યાએ હત્યા થઈ છે ત્યાં નજીકમાં કોઈ સીસીટીવી કેમેરા પણ નથી. 500 મીટરથી 1000 મીટર દૂર આવેલા સીસીટીવી કેમેરાના આધારે હત્યાનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરાઈ છે. મૃતક છૂટક મજૂરી કરતો હોય અને તેની પાસે મોબાઈલ પણ ન હોવાથી હત્યા માટેનું કોઈ ચોક્કસ કારણ સ્પષ્ટ થતું નથી. જોકે ક્ષણિક આવેશમાં આ ઘટના બન્યાનું પ્રાથમિક તારણ છે.
