શહેરમા પોપટપરા મેઇન રોડ ઉપર આવેલા કૃષ્ણનગરમાં રહેતી નિશાબેન રાજુભાઈ લોરીયા નામની 28 વર્ષની યુવતી રાત્રિના અગિયારેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી ત્યારે તેના પૂર્વ પતિ સોહીલ નઝીરશા રફાઈ અને તેનો મિત્ર અકરમ કુહાડી અને તલવાર સાથે ધસી આવ્યા હતા અને નિશાબેન લોરીયા સાથે ઝઘડો કરી હુમલો કર્યો હતો. હુમલામાં નિશાબેનના બંને હાથ અને પગ ભાંગી જતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ ઘટના અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરતા પ્ર.નગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં નિશાબેન લોરીયાને આગલા ઘરના બે દીકરા છે. નિશાબેન લોરીયાને સાત વર્ષ પહેલાં સોહીલ રફાઈ સાથે ઇન્સ્ટાગ્રામ મારફતે પ્રેમ પાંગર્યો હતો અને નિશાબેન લોરીયાએ સોહીલ રફાઈ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પ્રેમ લગ્ન બાદ નિશાબેન અને સોહિલને સંતાનમાં એક પુત્રનો જન્મ થયો હતો બાદમાં દંપતિ વચ્ચે અણ બનાવ બનતા 15 દિવસ પૂર્વે જ બંનેએ છૂટાછેડા લીધા હતા જે છુટાછેડાનો ખાર રાખી સોહિલ રફાઇ તેના મિત્ર અકરમ સાથે નીશાબેન લોરીયાના ઘરે મધરાત્રે કુહાડી અને તલવાર સાથે ધસી આવ્યો હતો અને હવે તું બીજા સાથે લગ્ન કરીશ તેમ કહીને દરવાજો તોડી નિશાબેનના ઘરમાં ઘુસી જીવલેણ હુમલો કર્યો હોવાનો અને હુમલાખોર સોહિલ રફાઈ રીક્ષા ચોરીના ગુનામાં પણ સંડોવાયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે પ્રનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
