જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર વસઈ ગામ પાસે વધુ એક હિટ એન્ડ રન નો બનાવ બન્યો છે. માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી 13 વર્ષની કિશોરીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજતાં સિક્કા પોલીસ સ્ટેશનમાં ઇનોવા કારના ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ, મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના રહેવાસી અને હાલ વસઈ ગામે મજૂરી કામ કરતા અનિલભાઈ ગુમાનભાઈ મકવાણાની 13 વર્ષની પુત્રી રાધા તા. 30 જૂનના રોજ સાંજે આશરે સાડા ચાર વાગ્યે વસઈ ગામે ચોકલેટના કારખાના નજીક રોડ ક્રોસ કરી રહી હતી. તે દરમિયાન પૂરપાટ અને બેદરકારીપૂર્વક ચલાવવામાં આવી રહેલી ઇનોવા કાર (રજિસ્ટ્રેશન નં. જીજે-37-એબી-1648)એ તેને અડફેટે લીધી હતી.
અકસ્માતમાં રાધાના માથામાં ગંભીર ઈજા તેમજ શરીરે અન્ય ઇજાઓ થતાં તેને 108 એમ્બ્યુલન્સ મારફતે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં આઈસીયુમાં તેની સારવાર ચાલી રહી હતી. જોકે, તા. 7 જુલાઈની સવારે સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું.
મૃતકના પિતા અનિલભાઈ મકવાણા તે સમયે પોતાના વતન મધ્યપ્રદેશમાં હોવાથી ઘટનાની જાણ થતાં જામનગર આવ્યા હતા. પુત્રીના પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને અંતિમવિધિ માટે વતન લઈ જવામાં આવ્યો હતો. અંતિમવિધિ પૂર્ણ કર્યા બાદ તેઓ સિક્કા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ઇનોવા કારના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ઇનોવા કારના ચાલક સામે અકસ્માતે મોત નિપજાવવા સંબંધિત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
