ભાયાવદરમાં વ્યાજે આપેલા 90 હજારના બદલામાં 25 લાખના દાગીન પડાવી લીધા

ઉપલેટાના ભાયાવદર પોલીસ સ્ટેશનમાં એક વ્યાજખોર વિરુદ્ધ ગંભીર ગુનાની ફરિયાદ નોંધાઈ છે. ભાયાવદરમાં રહેતા અને ડેરીનો વ્યવસાય કરતા 66 વર્ષીય રતીલાલ હીરાભાઈ પરમારે વ્યાજે પૈસા…

ઉપલેટાના ભાયાવદર પોલીસ સ્ટેશનમાં એક વ્યાજખોર વિરુદ્ધ ગંભીર ગુનાની ફરિયાદ નોંધાઈ છે. ભાયાવદરમાં રહેતા અને ડેરીનો વ્યવસાય કરતા 66 વર્ષીય રતીલાલ હીરાભાઈ પરમારે વ્યાજે પૈસા આપવાનું કામ કરતા નીલેશભાઈ નાનાલાલ મકવાણા (દરજી) સામે આ ફરિયાદ દાખલ કરી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, વર્ષ 2011 માં રતીલાલભાઈને ધંધા માટે રૂૂપિયાની જરૂૂર પડતા તેમણે નીલેશભાઈ પાસેથી માસિક 3 ટકાના વ્યાજે રૂૂ. 90,000 લીધા હતા. જેના બદલામાં તેમણે શરૂૂઆતમાં 9 તોલા સોનાના દાગીના ગીરવે મૂક્યા હતા. રતીલાલભાઈએ ત્રણ મહિના સુધી વ્યાજ પેટે આશરે રૂૂ. 8100 ચૂકવ્યા હતા, પરંતુ ચોથા મહિને તેઓ વ્યાજ ભરી શક્યા ન હતા.

આથી આરોપીએ તેમના ઘરે જઈને હાથ-પગ ભાંગી નાખવાની ધમકી આપી હતી અને ઘરમાંથી વધુ સાડા નવ તોલા સોનાના દાગીના બળજબરીથી પડાવી લીધા હતા. સમય જતાં રતીલાલભાઈએ મુદ્દલ રકમમાંથી રૂૂ. 40,000 જમા કરાવ્યા હતા. જ્યારે તેઓ બાકીના રૂૂ. 50,000 ચૂકવીને પોતાનું કુલ સાડા અઢાર તોલા સોનું પરત લેવા ગયા, ત્યારે આરોપીએ બહાના કાઢીને તે દાગીના અન્ય લોકોને ગીરવે આપી દીધા હોવાનું જણાવ્યું હતું.

ફરિયાદીએ અવારનવાર માંગણી કરવા છતાં આરોપીએ આજદિન સુધી દાગીના કે તેના રૂૂપિયા પરત કર્યા નથી. આ પડાવી લેવાયેલા સાડા અઢાર તોલા સોનાની હાલની બજાર કિંમત અંદાજે 25,00,000 રૂૂપિયા ગણાય છે. તાજેતરમાં સોશિયલ મીડિયામાં પોલીસની વ્યાજખોરો વિરુદ્ધની ઝુંબેશની પ્રેસ નોટ વાંચીને ફરિયાદીએ હિંમત દર્શાવી હતી. ત્યારબાદ પોલીસે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(5), 351(3) અને ગુજરાત નાણાંની ધીરધાર કરનારાઓ બાબત અધિનિયમની કલમ 33, 40, 42 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *